પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧
સાધ્વી ઇલીઝાએથ

રાણીએ સ્વામીની રજાથી રાજમહેલની પડોશમાંજ રોગીઓને સારૂ એક ઇસ્પિતાલ બંધાવી હતી. ત્યાં આગળ ૮૮ નિરાધાર રોગીઓને આશ્રય મળતો. એમને ખવડાવ્યા-પીવડાવ્યાથી તથા એમની સેવા કર્યાથી રાણીને સંતોષ થતો.

ઈ. સ. ૧રર૭ માં ઇલિઝાબેથને એક પુત્રસંતાન સાંપડ્યું. એ દિવસે રાજમહેલમાં આનંદોત્સવને પાર રહ્યો નહિ; પરંતુ ઇલિઝાબેથ કેવળ આમોદપ્રમોદથી સંતુષ્ટ થાય એમ નહોતું. એમણે એક દિવસ ચૂપચાપ બાળકને લઈને સેઈન્ટ કેથેરિનના દેવળમાં પ્રવેશ કર્યો તથા બાળકને ઈશ્વરના ચરણમાં અર્પણ કરવામાં આવ્યું. ઈલિઝાબેથે પ્રાર્થના કરી કે “હે મારા પ્રભુ ! તેં મને આ બાળક આપ્યું છે. હું તેને તારાજ ચરણમાં અર્પણ કરૂં છું. તું મારા આ બાળકને ગ્રહણ કરીને એને તારો ચાકર બનાવ, એના ઉપર તારા સ્વર્ગીય આશીર્વાદ વરસાવ.”

૩-જીવનનો એક બીજો અંક

અત્યારસુધી આપણે ઇલિઝાબેથને સરળહૃદયા, સેવાપરાયણા, દયાવતી અને ભક્તિમતી નારી તરીકે ઓળખ્યાં છે; પરંતુ કામ પડતાં એ રાણીના આસન ઉપર બિરાજીને પોતાનું કર્તવ્યપાલન કરી શકે એવાં અને મોટા મોટા રાજકર્મચારીઓના ગુસ્સાની જરા પણ પરવા ન કરે એવાં હતાં, એ વાત પણ હવે આપણે જાણી શકીશું. ઈ. સ. ૧રર૫ માં રાજા લૂઇએ યુદ્ધને માટે દૂર દેશાવરની મુસાફરી કરી. ત્યારપછી થોડા દિવસોમાં રાજ્યમાં ભયાનક દુષ્કાળ પડ્યો. પુષ્કળ લોકો ભૂખમરાની પીડાથી રોકકળ કરવા લાગ્યા. પરંતુ રાજકર્મચારીઓ તો જાણે બહેરાજ થઈ ગયા હતા. એ લોકો તરફથી વિપત્તિગ્રસ્ત લોકોને મદદ આપવાનાં કોઈ લક્ષણ જણાયાં નહિ. આ સ્થિતિ જોઈને ‘ગરીબોના બેલી’ ઇલિઝાબેથથી વધારે વાર સ્થિર રહી શકાયું નહિ. એણે એ રાજ્યની રાણી તરીકે પોતાની શક્તિનો ઉપયોગ કરવા માંડ્યો. તેમની આજ્ઞાથી રાજાના ભંડાર અને કોઠારનાં બારણાં ખુલ્લાં મૂકવામાં આવ્યાં. ઇલિઝાબેથે રાજ્યના અમલદારોની જરાપણ પરવા કર્યાવગ૨ દુકાળથી પીડાતાં માણસોને અનાજ અને દ્રવ્ય વહેંચવા માંડ્યું. એ દુ:ખી મનુષ્યો રાણીને “ઈશ્વરે મોકલેલો સ્વર્ગનો દૂત” સમજવા લાગ્યાં. પરંતુ રાજાના ભાઈ હેન્રી તથા અમલદારો રાણીની વર્તણુકથી ચીઢાયા અને તેમણે તેમનાં