પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨
મહાન સાધ્વીઓ

કાર્યોની વિરુદ્ધ મજબૂત હીલચાલ ચલાવવા માંડી; પરંતુ જ્યારે તેમણે જોયું કે, તેમનો વિરોધ તદ્દન નિષ્ફળ નીવડ્યો છે, રાણી કોઈની પણ વાતને કાને ધરતી નથી, ત્યારે એ લાકોએ રાણીને ભય દેખાડીને કહ્યું કે “આપ જે ગેરવ્યાજબી કામ કરી રહ્યાં છો તે સંબંધી કાંઈ વિચાર પણ કરો છો કે નહિ ? આ કામોની ખબર શું રાજાને કાને નહિ પહોંચે ? એને લીધે શું એ આપના ઉપર અત્યંત નારાજ નહિ થાય ? અને તેથી શું આપને દુઃખ સહન નહિ કરવાં પડે ?”

ઇલિઝાબેથ કોઈની પણ વાતનો ઉત્તર આપતાં નહિ, ફક્ત હસતાં અને જે કાંઇ કરવું હોય તે વગરસંકોચે કરતાં. રાણીએ પેાતાને ખર્ચે પહેલેથીજ વાર્ટબર્ગના રાજમહેલ પાસે એક ઈસ્પિતાલ બંધાવી હતી. હવે એમણે એમાં બાળકોને માટે એક જૂદો વિભાગ ઉઘાડ્યો. અનેક નાનાં નાનાં છોકરાં છોકરીઓથી ઇસ્પિતાલ ભરાઈ ગઈ, સ્નેહભરી ઇલિઝાબેથ એ બાળકોને લાડ લડાવીને તેમને એક એક વસ્તુ ભેટ આપતાં. અસહાય બાળકો તેમને “મા મા” કહીને બોલાવતાં. એ જનનીની માફક સ્નેહપૂર્વક તેમને છાતી સાથે ચાંપતાં.

રાણી કેવળ એટલું જ કામ કરીને સંતોષ પામ્યાં નહિ. કરજદાર થઈ જવાને લીધે જે ગરીબ લેાકો કેદખાનું ભોગવતા હતા, તેમનો છૂટકારો કરવા સારૂ તેમણે યત્ન કર્યો. કેટલાક કેદીઓના પગમાં લોખંડની મજબૂત બેડીઓ હતી. એ બેડીઓ પગની સાથે ઘસાયાથી એમના પગમાં ઠેકાણે ઠેકાણે ઘા પડી ગયા હતા. રાણી પોતાને હાથે એ ઘાને ધોઇ, સાફ કરીને પાટો બાંધતાં. એ બધાંઓનાં પાપોને દૂર કરવા ખાતર ખરા અતઃકરણથી પ્રાર્થના કરતાં. આવી દયાને લીધે કેદીઓ તેમને ‘દયાની દૂત’ ગણતા.

પાદરી એલ્બાન બટલર લખે છે કે:– “દરરોજ નવસો ગરીબો રાજમહેલને બારણે ઉભાં રહેતાં. ઇલિઝાબેથ તેમને ખાવાના પદાર્થોનું દાન કરતાં. એ લોકો ત્યાં આગળ પેટ ભરીને જમતાં. રાણીએ ભિન્ન ભિન્ન સ્થાનોમાં કેટલાંએ નિરાધાર ગરીબોને જમાડવાનો બંદોબસ્ત કરી રાખ્યો હતો. તેની સંખ્યા કોણ ગણી શકે એમ હતું ? એમની એ દયા તથા આશ્ચર્યકારક ધાર્મિક ભાવ જોઈને રાજાનું મન મુગ્ધ થયું હતું. રાણીના ઉન્નત જીવનને નમુનારૂપ માનીને એ પોતાનું જીવન ઘડવાના પ્રયત્ન કરતા હતા. તેથીજ ઇતિહાસમાં એમણે ધાર્મિક નરપતિતરીકે ખ્યાતિ મેળવી છે.”