પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭
સાધ્વી ઇલિઝાબેથ

કાંઈ પણ રાખવું નહિ અને તેને રાજમહેલમાંથી કાઢી મૂકીને સંપૂર્ણરૂપે પોતાની દાસી બનાવવી. એટલે રાજા લૂઈના ભાઇ હેન્રી અને રાજ્યના અમલદારોનાં મન બદલાઈને પથ્થરના જેવાં કઠોર થઈ ગયાં. ઇલિઝાબેથે સ્વામીને પેાતાની મંત્રશક્તિથી ભૂલાવો ખવરાવીને રાજ્યના ખજાનામાંથી એકઠું કરેલું દ્રવ્ય ગરીબોની સેવામાં ઉડાવી દીધું હતું, એવો આરોપ રાણી ઉપર મૂકીને તેઓ તેમના વિરોધી બન્યા. ત્યારપછી હિચકારા મનુષ્યોની પેઠે બધા વિધવા રાણીના ઉપર જોરજુલમ કરવા લાગ્યા. થોડા દિવસોમાં તો અત્યાચાર છેલ્લી હદે પહોંચી ગયો. હેન્રીએ બળપૂર્વક રાજસિંહાસન ઉપર પોતાનો અધિકાર જમાવ્યો. ત્યારપછી ભાભીને તેણે આજ્ઞા કરી કે, તમારે કાંઈપણ લીધા વગર રાજનગરનો ત્યાગ કરીને જતાં રહેવું. કેવળ એટલું જ નહિ, પરંતુ એવી પણ આજ્ઞા કાઢી કે, જે કોઈ ઇલિઝાબેથને આશ્રય આપશે તેને સખ્ત સજા ભોગવવી પડશે.

એ આજ્ઞાનો પ્રચાર થયા પછી હેન્રીના બે નોકરો યમદૂતની પેઠે ઇલિઝાબેથની સન્મુખ જઈને ઉભા રહ્યા. તેમણે એ વિધવા નારીને ધમકાવીને કહ્યું કે “રાણી ઇલિઝાબેથે રાજા લૂઈને છેતરી રાજ્યનું સત્યાનાશ વાળ્યું છે. આજ તમારે લીધેજ રાજ્યના ખજાના ખાલી છે. એ અપરાધને માટે જે સખ્ત સજા ફરમાવવામાં આવી છે તે તમારે નીચે માથે સહન કરવી જ પડશે. તમારી બધી માલમિલ્કત રાજ્યમાં જપ્ત કરવામાં આવી છે. આની આજ ઘડીએ તમારે ખાલી હાથે રાજ્યમહેલનો ત્યાગ કરીને ચાલ્યાં જવું પડશે.”

રાજમાતા નોકરોની આટલી હિંમતભરી વાતો સાંભળીને લાલચોળ થઇ ગયાં; તેમણે ઇલિઝાબેથને પોતાની સ્નેહભરી બાથમાં લઇને કહ્યું કે “આ મારી પુત્રવધૂ છે, મારીજ પાસે એ રહેશે; મારી પાસેથી એને લઇ જનાર કોણ છે ? કોની મગદૂર છે કે એવું કરે ?”

હેન્રીના બે નોકરોએ વૃદ્ધ રાણીની વાત ઉપર જરા પણ ધ્યાન આપ્યું નહિ. તેઓ પર્વતપરના મહેલમાંથી ઇલિઝાબેથને નીચેના મહેલમાં લઈ આવ્યા. ઇલિઝાબેથે જોયું કે, ત્યાં આગળ તેમની બે દાસીઓ છોકરાંઓને લઈને ઉદાસ મુખે બેઠેલી છે, હાય ! હેન્રીએ આજે નિર્દય થઈને પિતૃહીન ભત્રીજા–ભત્રીજીઓને રાજમહેલમાંથી કાઢી મૂક્યાં છે !