પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨
મહાન સાધ્વીઓ

કેટલીક વારસુધી સ્વામીના શબની પેટી તરફ જોઇ રહ્યાં. તેમના પ્રાણમાં શોક ઉછળી આવ્યો. ગમે તેટલો પ્રયત્ન કર્યા છતાં તે પોતાનાં આંસુ ખાળી શક્યાં નહિ. નાઇટની ઉપાધિવાળા મોટા મોટા માણસો રાણીને સાંત્વના આપવા લાગ્યા. ત્યારપછી રાજાનું શબ ઉપાસનામંદિરમાં લઈ જવામાં આવ્યું અને શબવાળી પેટી ખોલવામાં આવી. રાજાના દેહપિંજર સામે જોઈને સઘળાં અશ્રુ સારવા લાગ્યાં. પછી ઇલિઝાબેથનું ચિત્ત ઈશ્વરમાં નિમગ્ન થઈ ગયું અને તેઓ મૌનભાવે ઈશ્વરનો આવિર્ભાવ અનુભવવા લાગ્યાં. છેવટે એ સાધ્વી ઈશ્વરને ‘મહારાજ’ શબ્દથી સંબોધીને કહેવા લાગ્યાં કે “તમે મારા સ્વામીને અનંત શાંતિરાજ્યમાં લઈ ગયા છો તેથી તમને ધન્યવાદ છે.”

રાજાનો મૃતદેહ કેટલાક દિવસ સુધી ઈલિઝાબેથની પાસે રાખવામાં આવ્યો. દરરોજ ઉંડા ભાવથી ઉપાસના થતી, ઇલિઝાબેથની સાથે બીજા પણ ધર્મવિશ્વાસુ ઉપાસકો ઈશ્વરના આર્વિભાવનો અને પરલોકના અસ્તિત્વનો અનુભવ કરવા લાગ્યા. એ સમયમાં હેન્રીના અત્યાચારની વાત અનેક સ્થળોના પ્રતિષ્ઠિત મનુષ્યો તથા તેજસ્વી વીર પુરુષોને કાને પહોંચી. તેઓ ઉશ્કેરાઇ ગયા. ઇલિઝાબેથે તેમને ઘણું ઘણું સમજાવીને શાંત કર્યા. પછી એ ગૃહસ્થો રાજાનું શબ લઈને રાજધાનીમાં ગયા. રાજાની સાથે જે સૈન્ય અને સેનાપતિ ધર્મયુદ્ધની ખાતર પૂર્વ દેશમાં ગયા હતા, તેઓ પોતાના માલિકના મૃતદેહની સાથે સાથે સ્વદેશમાં પાછા આવીને રાજમહેલના કિલ્લામાં પહોંચ્યા. હેન્રીએ સિંહાસન ઉપર અધિકાર જમાવીને ઇલિઝાબેથના પ્રત્યે જે અત્યાચાર તથા ખરાબ વ્યવહાર કર્યો હતો, તે જાણીને તેઓના મર્મસ્થાનને મોટો આઘાત લાગ્યો હતો.હવે રાજમહેલ જોવાથી તથા રાજા હેન્રીને જોવાથી દુ:ખ, શોક, તિરસ્કાર અને ક્રાધથી તેઓ બેબાકળા બની ગયા. તેઓ હેન્રીનાં દુષ્ટ કામોનો બદલો લેવાને તૈયાર થયા. તેના અન્યાયી આચરણનો તીવ્ર પ્રતીવાદ કરવા સારૂ એક દિવસ નક્કી થયો. એ દિવસે ચાર વીર પુરુષો બધા સૈનિકોના પ્રતિનિધિતરીકે રાજા હેન્રીની સન્મુખ હાજર થયા. એમનામાંથી લૉર્ડ વેરિલા નામના એક સાહસી અને નિર્ભય ચિત્તવાળા ગૃહસ્થે ગંભીર સ્વરે પેાતાના ભાષણનો આરંભ કર્યો. તેમના ભાષણનો સાર સંક્ષેપમાં અત્રે ઉતારીએ છીએ :–