પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪
મહાન સાધ્વીઓ

શંકા હતી ? આ પુણ્યશીલા સાધ્વીજી પોતેજ આ દેશના રાજમહેલનાં કર્તા-કારવતા બન્યાં હોત તો એમાં પણ આપનું શું અનિષ્ટ થવાનું હતું ? હવે વિદેશના લેાકો શું અમને ધિક્કારશે નહિ ? આપ શું એટલું પણ સમજી શક્યા નથી કે, આ કાર્યથી આપ ઇશ્વરના ક્રોધને પાત્ર બન્યા છો ? આપે શું આ દેશ ઉપર અને આપના ગૌરવમય વંશ ઉપર આપના અયોગ્ય વર્તનથી કલંક ચોંટાડ્યુ નથી ? આપ જો એને માટે ઈશ્વરની આગળ પશ્ચાત્તાપ નહિ કરો, આપનાં ભાભી સાથે પાછો સંપ નહિ કરો અને આપના ભાઇનાં સંતાનોને એમના હક્કની બધી વસ્તુઓ પાછી નહિ સોંપી દો; તો નિશ્ચય જાણજો કે, આ દેશ ઉપર ઇશ્વરનો કેર ઉતરશે.”

લૉર્ડ વેરિલાનું એક એક વાક્ય જ્વાળામુખી પર્વતમાંથી ઉડતા અંગારાની પેઠે એ રાજાના હૃદય ઉપર પડવા લાગ્યું. એ હવે વધારે વાર સુધી સ્થિર રહી શક્યો નહિ. ભય, પશ્ચાત્તાપ, લજ્જા અને દુઃખથી વ્યાકુળ થઈને એ ઉભો થયો અને પછી થોડી વારે બોલવા લાગ્યો કે “મારા અપરાધનો ખરેખાત મને પસ્તાવો થાય છે. હવેથી હું કોઈ પણ દિવસ બીજાઓની ખરાબ સલાહ સાંભળીશ નહિ. તમે મારા ઉપર આપના એક બંધુના જેટલો વિશ્વાસ રાખજો, મારાં ભાભી રાજ્યમાંથી જે કાંઇ સંપત્તિ માગશે તે હું તેમને અર્પણ કરીશ; વળી આપની આગળ બીજી પણ કહેવાની જરૂર સમજું છું. તે એ કે, મારાં ભાભીને હું આખા દેશનો અધિકાર આપીશ તો એ આખા દેશને પણ ઈશ્વરની સેવામાં અર્પણ કરશે.”

લૉર્ડ વેરિલા બોલ્યો કે “ખરેખર, ઈશ્વરના ક્રોધમાંથી બચવાનો એજ એકલો ઉપાય છે.”

પછી રાજા હેન્રીએ તરતજ થોડુંક સૈન્ય ઇલિઝાબેથની પાસે મોકલ્યું. તેઓએ વિધવા રાણીની પાસે જઈને કહ્યું કે ‘આપ રાજ્યમાંના કયા ભાગ ઉપર અધિકાર મેળવીને રાજા હેન્રીની સાથેનો ટંટો મટાડી દેશો ?’

ઈલિઝાબેથે કહ્યું કે “મોટા મોટા મહેલો, ધનરત્નો કે રાણીનો અધિકાર એ બધામાંથી મારે કાંઈ પણ જોઇતું નથી. એથી તો મારું ચિત્ત ચંચળ થાય અને હું ઈશ્વરની પ્રાપ્તિ કરી શકું નહિ.”

સૈનિકો નિરાશ થઈને રાજા હેન્રીની પાસે ગયા, પરંતુ હેન્રી