પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫
સાધ્વી ઇલિઝાબેથ

એનાં આ ભાભીને – આ મહાન સાધ્વીજીને જરા પણ પારખી શક્યો નહિ. એણે તો ઉપલા ઉત્તરથી ઉલટું એમજ ધાર્યું કે, ઈલિઝાબેથના હૃદયમાં વેર લેવાની ઈચ્છા પ્રબળ છે. આથી કરીને હેન્રી કાંઈક ભય અને કાંઈક પશ્ચાત્તાપની જ્વાળાથી સ્થિર બેસી શક્યો નહિ. એ જનની સોફિયા અને નાના ભાઈ કોનરાદને સાથે લઈને વિધવા રાણી ઈલિઝાબેથની પાસે ગયો અને વિનયપૂર્વક બોલ્યો કે “મને માફ કરો, હું મારા બધા અપરાધોનું પ્રાયશ્ચિત્ત કરવા તૈયાર છું.”

સરળ અને પ્રીતિમયી ઇલિઝાબેથના પ્રાણમાં સ્નેહ ઉભરાઈ આવ્યો. તે હેન્રીને ગળે વળગી પડ્યાં. હૃદય ભરાઇ આવવાથી તેમના કંઠમાંથી એક પણ શબ્દ નીકળ્યો નહિ, પણ અશ્રુ વહેવા લાગ્યાં. તેમના હૃદયનો આ દિવ્ય પ્રભાવ (ઉભરો) અને સ્વર્ગીય ક્ષમાભાવ જોઈને લોકોના સદ્‌ભાવનો પાર રહ્યો નહિ. બધા કહેવા લાગ્યા કે :–

“આ ઇલિઝાબેથ માનવી છે કે દેવી ?”

આ વખતે આ સાક્ષાત્ દેવીસમી સાધ્વી દેવીના દિવ્ય ભાવથી સર્વના હૃદયમાંથી હેન્રી પ્રત્યેનો વિરોધી ભાવરૂપી પથ્થર પીગળી ગયો, મરુભૂમિમાં જ્યાં ત્યાં પ્રીતિનું ઝરણું વહેવા લાગ્યું, હિંસા-દ્વેષ બધું ચાલ્યું ગયું, હેન્રી ભાભીનો આવો દિવ્ય વ્યવહાર જોઇને સ્થિર બેસી શક્યો નહિ. એ પણ હવે બાળકની પેઠે રોવા લાગ્યો. રાજમાતા સોફિયા પણ પુત્રવધૂનાં આંસુ સાથે પોતાનાં આંસુ ભેળવવા લાગ્યાં. આ અપૂર્વ દૃશ્ય જોઈને વીર યોદ્ધાઓનાં પણ અશ્રુઓ ખાળ્યાં ખાળી શકાયાં નહિ. આજ આંસુઓદ્વારાજ સઘળાંનું એકબીજાસાથે મિલન થયું. ઈલિઝાબેથ, સાસુ, દિયર અને સ્વામીની સાથે ગયેલા સૈનિકોના આગ્રહને પાછો ઠેલી નહિ શક્યાથી વાર્ટબર્ગના રાજમહેલમાં ગયાં. એમણે છોકરાંઓને લઇને એ રાજમહેલમાંજ રહેવું એવું નક્કી થયું. ઇલિઝાબેથને રાણીતરીકે જે જે અધિકારો હતા, તે બધા તેમને આપવામાં આવ્યા.

૬ – પ્રભુપ્રેમઘેલી ઇલિઝાબેથ

ઇલિઝાબેથ પાછાં રાજનગરના સુરમ્ય મહેલમાં વાસ કરી રહ્યાં છે. તેમનાં સંતાનો પાછાં પિતૃગૃહમાં આવ્યાં છે. પાછી તેમના સુખને માટે નાના પ્રકારની તૈયારીઓ થઇ રહી છે. આ વખતે હેન્રીએ ભાભીને રાજમહેલના આનંદોત્સવ અને ગાનતાનમાં