પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭
સાધ્વી ઇલિઝાબેથ

અભિલાષાઓને લીધે આ અશાશ્વત ધન તથા ઐશ્વર્યથી ભરેલી રાજનગરીમાં વધારે રહેવાની તેમણે ઇચ્છા કરી નહિ. બિચારા પામર અને વિષયી લોકો તો મહાન સાધ્વીની આવી મતિ જોઈને કહેવા લાગ્યા કે :–

“રાણી હવે તો ગાંડી થઇ ગઇ છે.”

ઇલિઝાબેથ રાજમહેલમાંથી રોટલી, મિષ્ટાન અને બીજા ખાવાના પદાર્થો લઇને ખુલ્લી રીતે રાજમાર્ગમાં થઈને ગરીબોની ઝુંપડીઓમાં જતાં. એ વખતે અનેક સ્ત્રી-પુરુષો તેઓ સાંભળે એવી રીતે બોલતાં કે :–

“જુઓ તો આ ગાંડી રાણી ! આ રાણી તદ્દન ઘેલી થઈ ગઈ છે.”

આ બધી કટાક્ષવાણી સાંભળવાથી ઇલિઝાબેથને કષ્ટ નહિ થતાં એમના મુખ ઉપર સર્વદા આનંદની જ્યોતિ ઝળક્યા કરતી.

થોડા દિવસ પછી એવું નક્કી થયું કે, ઇલિઝાબેથે મારબર્ગ શહેરના એક નિર્જન અને મનોરમ સ્થાનમાં જઈને રહેવું. એ સ્થાનમાં તપસ્યા અને જનસેવા બન્ને માટે અત્યંત સગવડ મળશે. ઇલિઝાબેથ રાજમહેલમાંથી જવાનાં હતાં તે દિવસે એ મહાન સાધ્વીજી બધાંઓની વિદાય માગતાં બોલ્યાં કે :–

“આપે મને જેટલી ચાહી છે, મારા ઉપર જેટલી દયા રાખી છે, એટલી બધી કરુણાને શું હું પાત્ર છું ? કહો, મેં તમારે સારૂ ક્યાં કશું કર્યું છે ? આજ આપ સર્વે અને ક્ષમા આપો, મારે માટે પ્રાર્થના કરો, મને પ્રફુલ્લ વદને વિદાય આપો. આપની પ્રાર્થનાથી તથા પરમેશ્વરની કરુણાથી હું મારું સર્વસ્વ પ્રભુને સમર્પણ કરી શકું; તેનીજ સેવામાં આ તન અને મનનો અણુએ અણુ અર્પણ થાય એવું હું ઈચ્છું છું.”

રાજનગરીનો ત્યાગ કરીને ઇલિઝાબેથ મારબર્ગ શહેરમાં પહોંચ્યાં. એ શહેરનો બધો અધિકાર તેમનેજ સોંપવામાં આવ્યો હતો. એ સ્થળનાં બધાં સ્ત્રીપુરુષોએ તેમને આવકાર આપ્યો. પરંતુ એવી જાતનો આવકાર અને જનકોલાહલ ઇલિઝાબેથને જરા પણ રૂચ્યો નહિ. એ તો શહેરથી ત્રણ માઈલ દૂર આવેલા એક નિર્જન સ્થાનમાં ગયાં. ત્યાં આગળ નાના પ્રકારનાં વૃક્ષો તથા લતાઓની વચ્ચે એક નાનીશી કુટિર હતી. એ કુટિરનું છાપરું તૂટેલું હતું; પણ એના ઉપર વૃક્ષની શાખાઓ તથા લીલાં પાંદડાંઓની છાયા જરૂર હતી.