પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કરતાં, તેના પ્રસાદ અને દયાની પ્રાપ્તિ સારૂ પ્રાર્થના કરતાં.”

ઇલિઝાબેથનું આશ્ચર્યકારક પવિત્ર જીવન જોઈને પુષ્કળ લોકો તેમના ઉપર દેવીના જેટલી ભક્તિ રાખતાં. અનેક સ્ત્રીપુરુષની તેમનાં દર્શન માટે ભીડ જામતી. તપસ્વિની નારીનાં શાંતિદાયક વચનોથી ઘણા દુઃખી લોકોનાં દુઃખી હૈયાં શાંત થતાં. કોઇ પાપી પાપની વેદનાથી બેબાકળા થઈને ઇલિઝાબેથ પાસે આવતા તો તરતજ એમના હૃદયમાં કરુણા ઉછળી આવતી. કારણ કે મનુષ્યમાં પાપની વેદના કરતાં કોઈ પણ વધારે ભયંકર દુઃખ દુનિયામાં છે અથવા હોઈ શકે, એવું તે માનતાં નહિ. આથી એ પાપના ભારથી પીડાતા લોકો માટે એકાગ્રચિત્તે અને નમ્રભાવે પ્રાર્થના કરતાં. તેમની એ પ્રાર્થનાથીજ એ પાપીના હૃદયમાં પ્રકાશ અને શક્તિ ઉતરી આવતાં અને તેના મનનો દુષ્ટ ભાવ બદલાઈ જતા.

ઇલિઝાબેથ જે વખતે ભિખારણની પેઠે કુટિરમાં વાસ કરતાં હતાં, તે વખતે એમના પિતૃરાજ્યના દૂત કાઉન્ટ બેનીએ આવીને રાજા હેન્નિને કહ્યું કે :– “અમે સાંભળ્યું છે કે અમારી રાજકન્યા દુઃખી કંગાળ સ્ત્રીની પેઠે જીવન ગાળે છે, તો તેનું કારણ શું ?”

હેન્નિએ કહ્યું કે “મારાં ભાભી હવે ગાંડાં થઈ ગયાં છે, આપ તેમની પાસે જઈને જુઓ કે એમની શી અવસ્થા છે, એટલે આપોઆપ આપને મારા કથનની ખાત્રી થશે.”

રાજદૂતે મારબર્ગ શહેરમાં જઇને, ત્યાંના એક માણસને ઇલિઝાબેથ સંબંધી હકીકત પૂછી. એ માણસ બાલ્યો કે “એ મનુષ્ય નથી પણ સ્વર્ગનાં દૂત છે. અમારા કલ્યાણ સારૂજ તે અહીંઆં આવ્યાં છે.”

કાઉન્ટ બેની જ્યારે રાજકન્યા ઇલિઝાબેથની પાસે પહોંચ્યા, ત્યારે એમના અંગ ઉપર સામાન્ય વસ્ત્ર હતું અને એ સૂતર કાંતવામાં નિમગ્ન હતાં. દૂત પોતાના રાજાની કન્યાની આવી અવસ્થા દેખીને દુઃખ અને શોકથી મરણતોલ થઈ ગયો. એણે કહ્યું કે “આપને આવાં ભિખારણ કોણે બનાવ્યાં ?”

ઇલિઝાબેથે કહ્યું કે “કોઈ મનુષ્યે તો મને કાંઈ પણ કર્યું નથી. મારા સ્વામી પરમેશ્વરની ખાતરજ મેં મારી આ અવસ્થા લીધી છે.”

દૂતે પોતાની રાજકન્યાને તેના પિયેરમાં લઇ જવાનો અતિશય પ્રયત્ન કર્યો, પણ કાંઈ વળ્યું નહિ. જેણે ઇશ્વરનીજ ખાતર સર્વસ્વનો ત્યાગ કર્યો હોય, તેને વાતચીતથી ફોસલાવી માયાના ફંદમાં