પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

અને મનન કરનારને વિધર્મીઓની નિંદા કરવામાં સમયનો દુરુપયોગ કરવાનું મન નહિ થાય; પણ આત્મસંયમ, ત્યાગ અને તપસ્યાદ્વારા પ્રભુના ચરણમાં આશ્રય લેવાની ઈચ્છા ક્ષણભરને માટે પણ અવશ્ય ઉપજશે. આવાં ચરિત્રોના અભ્યાસથીજ આ જડવાદના યુગમાં પ્રતીતિ થાય છે કે “આ પૃથ્વીમાં ધર્મજ દુર્લભ પદાર્થ છે, ધર્મને સારૂજ માણસનો જન્મ છે, અને ઈશ્વરના ચરણમાં આત્મસમર્પણ કરી શકાય તેમજ જીવનનું સાર્થક છે.” પ્રભુ પ્રેમની સાર્થકતા માત્ર એકાંતમાં બેસીને પ્રભુનું ધ્યાન ધરવામાંજ રહેલી નથી, પણ પ્રભુએ સજેલાં માનવો, પશુપક્ષીઓ અને વનસ્પતિની સેવામાં પણ રહેલી છે; એનું ભાન આવાં ચરિત્રો કરાવે છે. ભારતવર્ષનાં ધર્મપ્રેમી પુરુષોએ સ્વધર્મ અને સેવાભાવના એ અભેદપ્રત્યે પણ્ બહુ લક્ષ આપવાની આવશ્યકતા છે. બ્રહ્મવાદિની કૉબ તથા કુમારી કાર્પેન્ટરનાં ચરિત્રો ઉપરથી જણાશે કે, સ્ત્રીઓ સારાં કાર્યમાં મનને પરોવે અને પોતાનું જીવન ભોગવિલાસ કે કાથાકુથલીમાં ગાળવાને બદલે માનવબંધુની સેવાના સત્કાર્ય માં પરોવે તો એ વિષયમાં તે જરૂર તે પુરુષોને હંફાવે. કોમળ હૃદય, દીનજનો - પ્રત્યે દયા, ધર્મભીરુતા, એ એમના સ્વાભાવિક ગુણો છે. પ્રત્યક્ષરૂપે કર્મ ક્ષેત્રમાં ન ઉતરનાર સ્ત્રી આદર્શ ગૃહિણી બની પતિને સન્માર્ગમાં કેવી રીતે પ્રોત્સાહિત કરી શકે છે એનું દૃષ્ટાંત એનિટાના ચરિત્રમાંથી મળી આવશે.

આ ચરિત્રો વાંચ્યા અને લખ્યાથી મને પોતાને તો ઘણો લાભ થયા છે અને આ ગ્રંથ વાંચવાથી સહૃદય બંધુઓ અને ભગિનીએને આધ્યાત્મિક ઉન્નતિમાં લેશ પણ સહાયતા મળશે. તો તો હું મારા આ પ્રયાસને સફળ સમજીશ.

સ્ત્રીઓનાં જીવનચરિત્ર તો સ્ત્રીઓજ વાંચે એવી એક ભૂલભરેલી માન્યતા આપણા દેશમાં સાધારણ રીતે પ્રવર્તેલી જોવામાં આવે છે. એને લીધે સ્ત્રીઓની પુણ્યગાથા સાંભળવાથી આપણે કમનસીબ રહીએ છીએ. આ ગ્રંથને પુરુષો પણ આદરથી વાંચે અને વિચારે એવી અભિલાષા રાખવી એ શું અનુચિત ગણાશે ?

ઉપર જે જે લેખકોના ગ્રંથ અથવા લેખ ઉપરથી આ ચરિત્રો લખવામાં આવ્યાં છે, તેમનો હું ખરા અંતઃકરણપૂર્વક ઋણી છું.

ભાષા, શૈલી તથા જોડણી વગેરે માટે (પ્રકાશક સંસ્થાએ પણ યથાશક્ય યત્ન કરવા છતાં) કાંઈ ભૂલચૂક રહી હોય તો તે માટે ઉદારહૃદય વાચકોની ક્ષમા યાચી વીરમું છું.

મકરસંક્રાન્તિ–૧૯૮૬
મંગળવાર તા. ૧૪-૧-૧૯૩૦
શિવપ્રસાદ દલપતરામ પંડિત
}