પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૭
સાધ્વી કેથેરિન

અમારે ઘણું શરમાવું પડશે. ”

બાલિકાના સુકોમળ ગાલ આંસુથી ભિંજાઈ ગયા. તેણે કહ્યું "ખરેખર, બહેન! મારી મોટી ભૂલ થઈ છે. એ ભૂલને માટે તમારે મને જેટલો ઠપકો દેવો હોય તેટલો દો.”

થોડા દિવસ પછી કેથેરિનની એ ભગિનીનું મૃત્યુ થયું. એ બહેન ઉપર તેમને ઘણો પ્રેમ હતો, એટલે એ મૃત્યુથી એમને બહુ આઘાત લાગ્યો. એ વિચારવા લાગ્યાં કે “આ દુનિયામાં તો સઘળું જ આવું અનિત્ય છે. શુ આ અનિત્ય જીવનના લોભમાં પડીને નિત્યજીવનને હું ગુમાવીશ ? ” આ વિચારથી કેથેરિનનો વૈરાગ્ય વધી પડયો, દેહદમનની ઇચ્છા વધારે પ્રબળ થઈ રહી. તેમણે ઘણા દિવસ અગાઉથી માંસ ખાવાનું અને સારાં કપડાં પહેરવાનું છોડી દીધુ હતું, કોમળ શય્યા ઉપર સૂતાં નહોતાં; આમોદપ્રમોદ કે નાચતમાશા તરફ એમનું ચિત્ત ચોંટતું નહોતું. હવે એ બાલિકાએ એથી વિશેષ સંયમ પાળીને ધ્યાન અને પ્રાર્થનામાંજ પોતાનો સમય ગાળવા માંડ્યો.

એવામાં એક બીજો બનાવ બન્યો. કેથેરિનના માથાના વાળ ઘણાજ સુંદર હતા. એ આકર્ષક કેશમાંથી તેમનું અપૂર્વ સૌદર્ય દીપી નીકળતું હતું. એક પાદરીએ પ્રથમ તો એવી એવી ટાપટીપ ઉપરથી એમનું ચિત્ત ખેંચી લેવાનો પ્રયત્ન કર્યો અને પછી એમને વૈરાગ્ય જોવા સારૂ કહ્યું કે ‘‘તમે તમારા સુંદર ગુચ્છાદાર કેશ કાપી શકશો ? ” કેથેરિન બોલ્યાં “તમે ધારતા હશો કે, આને કેશ ઉપર આસક્તિ છે; પણ આ લ્યો, હમણાંજ આ ચોટલો કાપી નાખું છું. ”

બાલિકાએ તરતજ પોતાના સુંદર કેશ કાપી નાખ્યા. એ વખતમાં સંન્યાસિની થનાર રમણીઓના કેશ કાતરીને ટૂંકા કરી દેવામાં આવતા. હવે કેથેરિનનાં સગાંસંબંધીઓને ફાળ પડી કે, એ સંન્યાસિની થઇ જશે. આથી તેમના શોકનો પાર રહ્યો નહિ. તેમણે એ બાલિકાના ઉપર કઠોર બંદોબ્સ્ત રાખવાના અને ઘરના કામકાજનો બોજો નાખવાનો વિચાર કર્યો. આ પ્રમાણે કામ આવી પડવાથી તેમનાથી ઘર છોડીને નિર્જન સ્થાનમાં ઉપાસના સારૂ જવાત નહિ; તેમજ ધ્યાનભજનની પણ સગવડ મળતી નહિ. સગાંવહાલાંઓ કેથેરિનને કહેવા લાગ્યા કે “હવે નોકર અને રસોઈઆને રજા આપવાની છે. તારેજ એ બધુ ઘરકામ કરવું પડશે. ??