પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૧
સાધ્વી કેથેરિન

જણાતાં હતાં. એમના અંતરનો મહિમા આજે એમના એ બાહ્યવેશમાં પણ દીપી નીકળતો હતો. સેંકડો માણસો વિસ્મયચકિત અને ભક્તિપૂર્ણ હૃદયથી એ અપૂર્વ સાધ્વીમૂર્તિનું નિરીક્ષણ કરી રહ્યાં હતાં. ત્યારપછી ઉપાસનાનો આરંભ થયો. ઉપાસના થઈ રહ્યા પછી કેથેરિનને સંન્યાસિની સંપ્રદાયમાં દાખલ કરવાનું અનુષ્ઠાન કરવામાં આવ્યું. દીનતા, પવિત્રતા અને પ્રભુસેવા, એ ત્રણ ભાવને પોતાના જીવનમાં વિશેષરૂપે ઉતારવા સારૂ કેથેરિને એ વ્રત ગ્રહણ કર્યુ.

હવે કેથેરિનની તપસ્યા પહેલાં કરતાં પણ વધી. તેમણે હિંદુ યોગીઓની પેઠે મૌનવ્રત ધારણ કર્યું. એક દિવસ નહિ, બે દિવસ નહિ, પણ લાગલગાટ ત્રણ વર્ષ સુધી એમણે એ વ્રત પાળ્યું. પાદરી બટલર લખે છે કે:-“કેથેરિન ત્રણ વર્ષ સુધી ફક્ત તેમના આચાર્ય સિવાય કોઈ સાથે વાતચીત કરતાં નહિ. એ સમયમાં તેઓ રાત્રિદિવસ ધ્યાનભજનમાંજ મગ્ન રહેતાં. ધ્યાનના આનંદથી એમનું હૃદય ઉભરાઈ જતું. તેમણે દિવ્ય પ્રકાશ પ્રાપ્ત કર્યો હતેા. એમના અંતરમાં પ્રભુ પ્રેમ ઉછળી રહ્યો હતો. ”

પરંતુ એમ છતાં પણ કેથેરિનને એક પ્રલોભનમાં ફસાવું પડયું. ઇશ્વરે તેમનું અંતરબળ વધારવા સારૂ, તેમને એક સંગ્રામમાં નાખ્યાં. કેથેરિનનું જીવનચરિત્ર બારીકીથી વાંચતાં જણાય છે કે, એ સંગ્રામમાં ઘવાઈને જ્યારે એ રડવા લાગ્યાં, તે વખતે ભગવાન ખ્રિસ્ત તેમની સામે આવીને બોલ્યા: “ બેટા ! તારા ઉદ્ધારની ખાતર તું આ ક્રોસને પસંદ કર. તે શુ સાંભળ્યું નથી કે મેં કેલવારી પર્વત નીચે ધિક્કારવા લાયક માણસોની સામે શાંતિપૂર્વક મૃત્યુ સ્વીકાર્યુ હતું ? માટે એ ઇશ્વરી ઘડતર માટે મળતા બાહ્ય દુઃખને માત્ર શાંતિપૂર્વકજ નહિ પરંતુ આનંદપૂર્વક તારે વેઠી લેવું જોઈએ. યાદ રાખજે કે, એજ તને યોગસિદ્ધિમાં મહુવની સહાય આપશે."

સાધ્વી કેથેરિન કેટલોક વખત પાપ અને પ્રલોભનની વચમાં ઉભાં રહીને ભયાનક સંગ્રામ ખેલવા લાગ્યાં. તેમનું હૃદય પુષ્પના જેવું પવિત્ર હતું; છતાં પણ પાપે એ હૃદયમાં કુવિચારની રેખા દોરી. સંસારની સેંકડો કામનાઓ મોહક મૂર્તિ ધારણ કરીને તેમના અંતરમાં માયા વિસ્તારવા લાગી. શયતાન અથવા કુમતિએ તેમને અવળે માર્ગે લઈ જવા સારૂ કહ્યું કે :-