પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૩
સાધ્વી કેથેરિન

ગયો. તું જાણજે કે, તારા વિશ્વાસ અને સંગ્રામથી ખુશ થઈને હું તેના ઇનામતરીકેજ આત્મપ્રકાશ કરૂં છું.”

કેથેરિનના પ્રાણમાં આનંદની રેલછેલ થઇ રહી. તેમણે અનેક સાધના અને સંગ્રામ કરીને, અને અનેક દિવસો સુધી આંખોનું નીર વહેવરાવીને જીવનની આ નિરાપદ અવસ્થા પ્રાપ્ત કરી હતી. એ સમયથીજ તેમની પરમાત્મદર્શનની અભિલાષા અત્યંત પ્રબળ થઈ પડી.

(૩)

જે તત્ત્વજ્ઞાની અને પ્રભુપ્રેમી મનુષ્યોએ વિશ્વના રહસ્યનો પડદો ઉંચો કરીને ઈશ્વરની સૃષ્ટિલીલાનું દર્શન કરી શક્યા છે; તેઓ કહે છે કે, પ્રભુ પ્રેમ માટેજ નરનારી ઉત્પન્ન થયાં છે. તેનો પ્રેમ સફળ થાય એટલા સારૂજ તેણે મનુષ્યને પોતાને અનુરૂપ ગુણો સહિત ઉત્પન્ન કર્યો છે. એ જ્ઞાનસ્વરૂપ, પ્રેમસ્વરૂપ અને ઈરછામય પુરુષ છે. મનુષ્યમાં પણ એજ જ્ઞાન, પ્રેમ અને ઇચ્છાશક્તિ છે. એ જ્ઞાન, પ્રેમ અને ઇરછાશક્તિ ઉપરજ મનુષ્યનો આત્મા ટકી રહ્યો છે. પ્રેમસ્વરૂપ ઈશ્વર પ્રેમવડે માનવાત્માને પોતા તરફ આકર્ષે છે અને તેથીજ માનવાત્મા સંસારની કોઈ પણ સામગ્રીથી વાસ્તવિક અને સદાની તૃપ્તિ પામી શકતો નથી. જાણીને કે અજાણપણે પણ તે એ સદા અપાર સુંદર સત્ય પુરુષની તરફ જવા ઈચ્છે છે. માનવાત્મા જે ઈશ્વરની સન્મુખ દોડીને જઈ શકે, જે ઈશ્વરના અનંત પ્રેમની સાથે મનુષ્યના શુદ્ધ પ્રેમનું મિલન થાય, તો દૈવી પ્રકૃતિ પણ ચરિતાર્થ થાય અને માનવપ્રકૃતિ પણ ચરિતાર્થ થાય. એવું ન બને તો માનવજન્મ વ્યર્થ જાય અને ઈશ્વરનો પ્રેમ પણ સફળ ન થાય. એટલા માટેજ સૌંદર્ય અને પ્રેમનો દેવતા પરમેશ્વર વિશ્વનાં સકળ દૃશ્ય, સકળ સૌંદય, સકળ સંગીત અને સકળ રસદ્વારા પોતાની આકર્ષણશક્તિ પ્રગટ કરે છે અને આપણે પ્રેમ જગાડવા, સુધારવા અને વધારવા ચાહે છે. આપણે જાણીને અથવા અજાણતાં એજ અસીમ સુંદરના અનંત પ્રેમની તરફ જતા રહીએ છીએ. એ પ્રેમ વગર આપણા આત્માની અનંત આકાંક્ષાની તૃપ્તિ પણ ક્યાંથી થાય ?

જ્ઞાની અને પ્રેમી પુરુષોએ એ સત્યને પ્રાપ્ત કર્યું છે. એ સત્યને લીધેજ તેઓ આપણને સત્ય વાણી સંભળાવે છે; પરંતુ આપણાં દુર્ભાગ્ય છે કે, આપણે એ વાણીને સાંભળી ન સાંભળી