પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

માંડે છે, અને એમ લાગે છે કે, જાણે ઈશ્વરી કરુણાજ માનવીરૂપ અને કેથેરિન નામ ધારણ કરીને મૃત્યુલોકમાં આવી હતી.

અમે અતિ સંક્ષેપમાં કેથેરિનના એક કાર્યનો ઉલ્લેખ કરીશું. એક સ્થાને એક દુર્ભાગી સ્ત્રીને કોઢનો રોગ થયો. તેનું નામ હતું ટેક્કા. તેનું વસમું દર્દ થોડાજ સમયમાં, ઘણું ભયાનક થઈ ગયું. રોગીના ઘામાંથી એવી દુર્ગંધ આવતી કે એક ક્ષણવાર પણ માણસ ઉભું રહે તો માથું ફાટી જાય. એ ગામના મેજીસ્ટ્રેટે તેને ગામબહાર ખુલ્લા મેદાનમાં નાખી મૂકવાનો હુકમ આપ્યો હતો. પરંતુ એ વાત કેથેરિનને કાને પહોંચી. એ દુર્ભાગી બાઇની સેવા કરવા તૈયાર થયાં. તેમનાં સગાંવહાલાંઓએ કહ્યું કે “આ તે કરી રહ્યાં છે ? તમે ટેક્કાની સેવા કરવા જઈને તમારા અમૂલ્ય જીવનનું બલિદાન દેશો ? એથી તે કાંઇ સારૂ પરિણામ નહિ આવે.”

પરંતુ કેથેરિનનો પ્રેમ એ અભાગી, દુઃખી, રોગી નારીની તરફજ વહેવા લાગ્યો હતો ! હવે એમને એ માર્ગમાં જતાં કોણ રોકી શકે એમ હતું ? તેમણે સગી બહેનની પેઠે ટેક્કાની સેવા કરવા માંડી. એ સ્ત્રીનો સ્વભાવ રોગની પીડાથી ઘણોજ ચીઢીઓ થઇ ગયો હતો. ધ્યાન અને પ્રાર્થનાને સારૂ કેથેરિન તેનાથી દૂર એક એકાંત સ્થાનમાં જતાં, એટલામાંજ એ ક્રોધી સ્ત્રી ચીઢાઇ જતી અને એમને ગાળો દેવા લાગતી. એ બધાં કડવાં વચનો સહન કરીને પણ કેથેરિન તેની ચાકરી કરતાં.

કેથેરિન જે આશ્રમમાં વસતાં હતાં, તેજ આશ્રમમાં એક સ્ત્રી વસતી હતી. તેનું નામ એન્ડ્રિયા હતું. એ પણ સંન્યાસિની હતી. તેના અંગમાં એક સ્થાને ઘા પડીને છાતી પાકી જવા આવી હતી. ઘામાંથી એવી દુર્ગંધ આવતી કે ત્યાં ઉભા રહેવાની કોની મગદૂર હતી ? છેવટે કેથેરિનજ તેની સેવા કરવાને તૈયાર થયાં.

પરંતુ હાય ! જે આશ્રમવાસિનીની સેવા કરવાને કેથેરિન જીવ દઈને યત્ન કરી રહ્યાં હતાં તે માનવી નહોતી પણ રાક્ષસી હતી. એ કંઇ ધર્મપ્રાપ્તિને ખાતર સંન્યાસિની થઈ નહોતી પણ એને તો મનુષ્યોની પ્રશંસાની વાંચ્છના હતી, એટલે એ બહારથી ધર્મનો ડોળ કરીને સૌને છેતરતી, બાકી એના મનમાં તો ભયંકર ભુજંગનું વિષ ભરેલું હતું. એણે લાગ જોઈને એ વિષ કેથેરિનના ઉપર ઢાળી દીધું. તેમનો ધર્મવિશ્વાસ, ભક્તિ અને આધ્યાત્મિક શક્તિ જોઈને