પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૩
સાધ્વી કેથેરિન

એન્ડ્રિયાના મનમાં દ્વેષની આગ સળગી ઉઠતી. કેથેરિન એની પેઠે છળકપટ કરીને લોકોની આંખમાં ધૂળ નાખી નહોતાં શકતાં, એ એને મનથી એમનો મોટો અપરાધ હતો. એને લીધે એ હિંસાપરાયણ સ્ત્રીએ કોઈ ને કોઈ બહાને કેથેરિનના પવિત્ર નામને કલંક લાગે એવા ખોટા ગપાટા ઉડાવવા શરૂ કરી દીધા. એ વેશધારી રાક્ષસીએ સત્યના માથાપર પગ મૂકીને મિથ્યા વાતોના આડંબરથી ધર્માચાર્યોનાં મન ફેરવી નાખ્યાં. એન્ડ્રિયા કહેવા લાગી કે “કેથેરિન મારી ચાકરી કરવાને બહાને ગુપચુપ પાપનું સેવન કરે છે.”

કેટલાક પાદરીઓ અને સંન્યાસિનીઓ આ મિથ્યાવાદી સ્ત્રીની વાત ઉપર વિશ્વાસ કરવા લાગ્યાં. સ્ત્રીજાતિ બીજી બધા પ્રકારની નિંદા અને અપવાદ સાંખી શકે છે, પણ ચારિત્રસબંધી નિંદા અને અપવાદ તેને તદ્દન અસહ્ય થઈ પડે છે. પરંતુ કેથેરિને કેાઇની વિરુદ્ધ એક શબ્દ પણ કહ્યો નહિ. એમણે એ માટે કેવળ કલંકભંજન પરમેશ્વરનેજ પુકારવાનું શરૂ કર્યું.

એક દિવસ આશ્રમની કેટલીક સ્ત્રીઓએ ખુલ્લી રીતે કેથેરિનની નિંદા કરવા માંડી. શુદ્ધ આચરણવાળાં કેથેરિનથી હવે ધૈર્ય ધરી શકાયું નહિ. એ હૃદયના આવેગથી બોલવા લાગ્યાં કે :– તમે ખાત્રી રાખજો કે, હું કુમારી છું – ચિરકુમારી છું. કોઇ પણ કલંક મારા કુમારીવ્રતને મલિન કરી શકશે નહિં.”

આ બધી વાતો કેથેરિનની માતા લાપાને કાને પહોંચી. એ છંછેડાયલી સિંહણની પેઠે ઉશ્કેરાઇ જઇને કન્યાની પાસે આવી. કેથેરિન પવિત્રતાની મૂર્તિ છે, એ વાત લાપા સારી રીતે જાણતી હતી. તેણે કન્યાને કહ્યું “હું તો તારું અપમાન સાંખી શકીશ નહિ. એ રાક્ષસી એન્ડ્રિયાની ચાકરી કરવા સારૂ તને નહિજ જવા દઉં. ને તે હવે પછી એ કમબખ્તના ઘરમાં જઇશ તો યાદ રાખજે કે, આજથી તારે ને મારે કોઈ સંબંધ નથી.”

કેથેરિને કહ્યું “મા ! મનુષ્ય તો ઈશ્વરનો કેટલીએ વાર અસ્વીકાર કરે છે, કેટલીએ વાર તેની આગળ અપરાધ કરે છે; છતાં શું ઈશ્વરની કરુણા મનુષ્યનો ત્યાગ કરી શકે છે ? આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે શૂળીએ ચઢ્યા છતાં પણ શત્રુઓના કલ્યાણની કામના નથી કરી ? પ્રભુએ એન્ડ્રિયાની સેવાનો ભાર મને સોપ્યો છે, તો હવે એને છોડી દીધાથી હું ઈશ્વરની અપરાધી નહિં થાઉં ?”