પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કેથેરિનનાં વચનો સાંભળીને લાપાની આંખમાંથી દડદડ અશ્રુધારા વહેવા લાગી, પોતાની કન્યાનું હૃદય મલિન સંસારીઓથી ઘણુંજ ઉંચું છે અને સંસારની તુચ્છ નિંદા કે પ્રશંસાની પરવા કરે એવો સંકુચિત પ્રેમ તેના હૃદયમાં નથી, એ વાત તે હવેજ સમજી શકી.

આખરે ખરેખર પ્રેમથી પાષાણ પણ પીગળી ગયો. એ પીડા પામતી નારીના મનમાં પરિવર્તન થયું. એન્ડ્રિયાએ જોયું કે, જે બ્રહ્મચારિણીના ચરિત્રમાં કલંક લગાડવાના ઇરાદાથી તેણે ખોટા અપવાદો મૂક્યા હતા, તેજ નારી દરરોજ પોતાનું હૃદયપાત્ર પ્રેમથી ભરીને તેની પાસે હાજર થાય છે, અને જીવ દઈને તેની સેવા કરે છે. હવે ક્યાં સુધી એ પોતાના અંતઃકરણને દ્વેષથી ભરેલું રાખશે ? તેનું પાષાણતુલ્ય હૃદય પીગળી ગયું, અંતરમાં પશ્ચાત્તાપનો અગ્નિ સળગી ઉઠ્યો. તેણે કેથેરિનના પગમાં પડીને છાતીફાટ રુદન કર્યું તથા કહ્યું કે :–

બહેન ! તમે તો માનવી નથી પણ દેવી છો. હું દુર્ભાગી નારી આજ પશ્ચાત્તાપની વેદનાથી વ્યાકુળ થઈ જઈને, તમારું શરણ લઉં છું. મને ક્ષમા આપો. બહેન ! આજ મને ક્ષમા આપો.”

એન્ડ્રિયાથી હવે પશ્ચાત્તાપની આગ સહન થઇ શકી નહિ. તેણે એક દિવસ પાદરીઓ અને આશ્રમવાસીઓને એકઠાં કરીને કહ્યું કે “મેં આટલા દિવસ સુધી સાધ્વી કેથેરિનના ચારિત્ર વિરુદ્ધ જે જે કલંકની વાતો ફેલાવી છે તે બધી તદ્દન મિથ્યા છે. એ તપસ્વિનીનું ચારિત્ર સુગંધી પુષ્પ જેવું નિર્મળ છે. એ પ્રીતિ, કરુણા અને ક્ષમાની સાક્ષાત્ મૂર્તિમતી દેવી છે. પવિત્ર પરમાત્માજ સર્વદા એમના હૃદયમાં બિરાજીને એમના જીવનને દોરે છે. મેં શયતાનની શીખવણીથી કેથેરિનની વિરુદ્ધ જૂઠા ગપગોળા ઉડાવ્યા છે.”

આ બનાવ બન્યા પછી કેથેરિન પ્રત્યે લોકોની ભક્તિ અને શ્રદ્ધા પ્રથમ કરતાં પણ વધી પડ્યાં. બધાં એમને આધ્યાત્મિક શક્તિસંપન્ન સિદ્ધ સાધ્વી ગણીને તેમનાં યશોગાન ગાવા લાગ્યાં.

એ સમયથી કેથેરિનના હૃદયમાં પણ નવા નવા ભાવો સ્ફૂરવા લાગ્યા. તેમણે આત્માની અનંત ઉન્નતિના માર્ગમાં યાત્રા કરવા માંડી. હવે ઈશ્વરની સાથે પરાભક્તિથી (પરમ અનુરક્તિપૂર્વક) વારંવાર જોડાયા કરવું અને દીનદુઃખીઓની સેવા કરવી, એ સિવાય બીજી કોઈ આકાંક્ષા તેમના મનમાં રહી નહિ.