પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

साध्वी टेरेसा


૧ – બાલ્યાવસ્થા

સ્પેનનિવાસી સાધ્વી ટેરેસા ધર્મપરાયણ અને મહાન સાધ્વી હતાં. એક શક્તિશાળી ધાર્મિક પુરુષમાં જેટલા સદ્‌ગુણો હોય છે તે બધા સદ્‌ગુણો ટેરેસાના જીવનમાં જણાયા છે. તેમની ઉજ્જ્વલ પ્રતિભા, તીક્ષ્ણ બુદ્ધિ, ઉંડો ધર્મવિશ્વાસ, કામ કરવાની અસાધારણ શક્તિ, મનુષ્યના હદય ઉપર પ્રભાવ પાડવાની અસાધારણ યોગ્યતા, વિપત્તિમાં ધૈર્ય, સંગ્રામમાં સાહસ એ બધા એમના ગુણો યાદ કરવાથી આપણને આપોઆપજ એ મહાન સાધ્વી માટે માન ઉત્પન્ન થાય છે. આ સંસારમાં અનેક વાર એવું જણાય છે કે, જેઓ ઈશ્વરને પ્રિય થવા ઈચ્છે તેઓ મનુષ્યોમાં પ્રિય થતાં નથી; જે લોકો માનવજાતિનું કલ્યાણ કરવાના કાર્યમાં પ્રવૃત્ત થાય છે, તેમનેજ મનુષ્ય પોતાના શત્રુ ગણીને દુઃખ દેવા માગે છે. સેન્ટ ટેરેસાએ સ્વદેશમાં ધર્મની ગ્લાનિ થતી જોઇને એ ધર્મને પવિત્ર અને ઉન્નત કરવાનો પ્રયત્ન કર્યો હતો. એને લીધે એમને જીવનના આરંભમાં ઘોર સંગ્રામમાં ઉતરી અત્યંત જુલમ સહન કરવો પડ્યો હતો પરંતુ પાછલી વયમાં એ દેશના રાજા, પ્રજા, વિદ્વાન તથા મૂર્ખ સર્વ પ્રકારના લોકોની ભક્તિને પાત્ર તેઓ બન્યાં હતાં. એટલે સુધી કે તેઓ એ સન્નારીને મૂર્તિમતી દેવી ગણવા લાગ્યા હતા. ટેરેસાના મૃત્યુ પછી ઇ. સ. ૧૬૧૪ માં તેમનું ‘વિટિફીકેશન’ થયું – અર્થાત્ રોમના પોપે તેમને “સ્વર્ગસુખનાં અધિકારી” ગણીને જાહેરનામું બહાર પાડ્યું. એ સમયે સ્પેન દેશમાં એવો મોટો ઉત્સવ થતો હતો કે, અનેક રાજાઓના રાજ્યાભિષેક પ્રસંગે પણ એવો ઠાઠ ભાગ્યે થતો હશે.

આવાં એક પુણ્યશીલા સાધ્વીનું જીવનચરિત્ર લખવું એ પણ સૈભાગ્યની વાત છે; પરંતુ અમને એ બાબતનો વિચાર કરતાંજ સંકોચ આવે છે કે, અમે આ ક્ષુદ્ર લેખમાં એ તપસ્વિનીના જીવનચરિત્રને