પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨
મહાન સાધ્વીઓ

શિક્ષણ મેળવતી હતી.

ટેરેસાએ દોઢ વર્ષ સુધી મઠમાં વાસ કર્યો. ત્યારપછી તેમને કોઇક વ્યાધિ થઈ આવવાથી તેમના પિતા તેમને ઘેર તેડી લાવ્યા; પરંતુ ઘર આગળ પણ તેમની સેવા-ચાકરી કરનાર કોણ હતુ ? એટલે ટેરેસા પોતાની તબિયત સુધારા ઉપર આવતાં બહેનને ઘેર ગયાં. એ જગ્યાનાં હવાપાણી ઘણાં સારાં હતાં. ત્યાં જતી વખતે રસ્તામાં નિર્મળ વાયુનું સેવન કરવાથી તેમના શરીરમાં સુધારો થવા માંડશે. એ ઉપરાંત એમના સ્વભાવમાં કવિત્વ અને સૌંદર્યપ્રેમ પુષ્કળ હતાં. રસ્તાની બંને બાજુનાં આકાશભેદી ગિરિશિખર, વૃક્ષલતા, વિશાળ અરણ્ય તથા નદીનાળાં અને રસ્તા ઉપર ઉગેલાં પાઈનનાં સુંદર વૃક્ષો જોઈને એ પુષ્કળ આનંદ અનુભવવા લાગ્યાં.

બહેનને ઘેર જતાં રસ્તામાં ટેરેસાના એક કાકાનું ઘર આવતુ હતું. એ એક પ્રતિષ્ઠિત જમીનદાર હતા. એમની પાસે પુષ્કળ સંપત્તિ હતી. રહેવાને મોટી હવેલી, ગાડીઘોડા, દાસદાસી વગેરે પુષ્કળ સાહેબી હતી. પરંતુ એટલો બધો વૈભવ હોવા છતાં પણ એ બહારથી ધનવાન અને અંદરખાનેથી ખરા સંન્યાસી હતા. સંસારના ધનવૈભવ, માણસોનો કોલાહલ એ બધું તેમને જરા પણ પસંદ ન હતું. એમનું ચિત્ત ક્ષણસ્થાયી સંસારથી અતીત એવા અવિનાશી પરમાત્મા તરફ જવા માટે ઉન્મત્ત થઈ રહ્યું હતું. એમને કોઈ મળવા જતું તે તેની આગળ ફકત એકજ વાત કહેતા કે "આ સંસાર બે દહાડાનો છે. બે દહાડા પછી બધું છોડી દઈને જવું પડશે. સંસારની ખટપટમાં રાતદિવસ પડયા રહેવું એ તો અત્યંત મૂર્ખ માણસનું કામ છે.”

ટેરેસાના એ ધર્મનિષ્ઠ કાકા ભત્રીજીને જોઈને ઘણાજ પ્રસન્ન થયા. તેમણે ટેરેસાને કહ્યું કે “ બેટા ! તુ જેટલા દિવસ અહીંઆ રહીશ તેટલા દિવસ તારા મધુર સ્વરથી મને એક ગ્રંથ વાંચી સંભળાવવો પડશે. ?"

એ ધર્મગ્રંથના સંબંધમાં ટેરેસાએ જે કાંઈ લખ્યું છે, તેનો સાર આ પ્રમાણે છે:-“ હું કાકાજીને ઉંચે સ્વરે ધર્મના ગ્રંથો વાંચી સંભળાવતી. એમની પાસે હું ઘણા થોડા દિવસ રહી હતી; પરંતુ એ ગ્રંથોમાં કેવીક જાદુઈ અસર હતી તે કોણ કહી શકશે ? એ શક્તિએ મને ખબર પડવા દીધા વગર ગુપ્ત રીતેજ મારા