પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨
માહાત્માજીની વાતો.

શું ? કામનું તો નામ નહીં. જો મજુરી કરીને પેટ ભરે એવી સ્થિતિ હોય તો પછી સેતાન કેમ ગણાય ? હવે તે ગુસ્સે થયો ને બોલી ઉઠ્યો.

“તમે લોકો જાનવરથી પણ ખરાબ છો. અક્કલના તો બારદાન લાગો છો. પૈસાથી આખું જગત લેવાય પણ તમને તો ગમે તેટલા પૈસા આપું છતાં અસર નથી,”

લોકો બોલ્યા: “અમે તારા પૈસાને શું કરીએ ? અમારે કરવેરા નથી ભરવા પડતા.”

આમ સેતાન અનાજ વગર ભુખે દિવસ ગુજારવા લાગ્યો.


પ્રકરણ ૧૩ મું.


સેતાન ભુખે મરવા લાગ્યો એ વાત લોકોએ મુરખાને કહી, મુરખો બોલ્યો: “આપણે તેને ભુખે ન મરવા દેવો. બધાએ એક એક દિવસ ખાવાનું આપવું.”

સેતાન નિરુપાય થયો. તેને ભીખ કબુલ કરવી પડી એક દહાડો તે મુરખાને ઘેર વારા પ્રમાણે ખાવા આવ્યો (મુરખરાજને ત્યાં રાજા રૈયત વચ્ચે આવી બાબતમાં ભેદ ન હતો.) મુંગી ખાવાનું તૈયાર કરી હતી. મુંગી અનુભવી હતી; ઘણીવાર આળસુ લોકો કંઈ કામ કર્યા વિના વહેલા ખાઈ જતા, આથી મુંગી અકળાયેલી. માણસના હાથ ઉપરથી તે જાણતી કે માણસો મહેનતુ છે કે આળસુ. જેના હાથ ઉપર કોદાળીનાં આંટણ ન પડ્યાં હોય તેને આળસુ માની, આંટણવાળા માણસો જમી રહે તે પછી આળસુ માણસોને તે ખાવાનું દેતી.

હવે મુંગીએ સેતાનનો હાથ જોયો. તે તો લીસા ને આંટણ વિનાના હતા. એટલે મુંગીએ તેને ઇશારો કરી સમજાવ્યું કે તેને મજુરો ખાઇ લેશે પછી ખાવાનું મળશે.