પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૩
મુરખરાજ અને તેના બે ભાઈઓની વાત.


મુંગીની માયે સેતાનને સમજ પાડી. સેતાન શરમાયો, ને નારાજ થઈને બોલ્યો: “તમારો કાયદો ! આંધળો લાગે છે. બધા માણસોએ અંગમહેનત કરવી જોઇએ એવું તો મેં તમારા રાજમાં જ જોયું. શું તમે એમ માનો છો કે અક્કલવાન માણસોએ પણ મજુરી કરવી પડે ?

મુરખરાજ બોલ્યો: એ તો મને ખબર ન પડે. અહીં તો બધું કામ હાથે ને પગે થાય છે.

સેતાને કહ્યું: “માણસો અક્કલ વિનાના છે તેથી જ. તો પણ મગજશક્તિથી કેમ કામ કરવું એ હું તમને બધાને શીખવી શકું છું પછી તમને માલમ પડશે કે હાથ પગ વડે કામ કરવા કરતાં મગજ વડે કામ કરવું એ વધારે ફાયદાકારક છે.”

મુરખરાજ તાજુબી પામ્યો ને બોલ્યો: “ત્યારે તો હું મુરખ કહેવાઉં છું એમાં કંઈ ખોટું નહીં.”

સેતાને પોતાનુ ભાષણ જારી રાખ્યું: “પણ એટલું યાદ રાખવું કે મગજથી કામ કરવું એ સહેલું નથી. મારા હાથ ઉપર આંટણ નથી તેથી તમે લોકો મને આળસુ ગણી બીજાની પછી ખાવાનું આપો છો. તમે ખાતરીથી માનજો કે હાથથી કામ કરવા કરતાં મગજથી કામ કરવું એ સો ગણું મુશ્કેલ છે. કેટલીક વાર મગજ ચીરાઈ જાય છે.”

મુરખરાજ વિચારમાં પડ્યો ને બોલ્યો “એમ છે તો એટલી તકલીફ શાને સારૂ વેઠો છો ભાઇ ? માથું ચીરાય એ કંઇ ઠીક લાગતું હશે ? હાથ પગ વતી સહેલું કામ કરવું એ ઠીક નહીં ?

સેતાન બોલ્યો: “હું એટલી તકલીફ તમો લોકોને સારૂ ઉઠાવું છું, જો હું તેમ ન કરૂં તો તમે બધા સદાયના મુરખા રહો મુરખને જ્ઞાન આપવું એ જ અમારા જેવા માણસોનું કામ છે, તેથી અમે પરમાર્થી કહેવાઈએ છીએ. મને મગજથી કામ કરતાં આવડે છે તે બધું તમને બધાને શીખવવા તૈયાર છું.”