પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧
સત્યવાન અને શિવદયાળની વાત

પ્રકરણ ૮ મું.

શિવદયાળે નદીએ જઇ મોંઢામાં પાણી ભર્યું અને પેલા ઠુંઠાને પાણી પાયું. વારે ઘડીએ નદીએથી મોંઢામાં પાણી લઇ આવીને બધાં ઠુંઠાને પાણી પાય. અંતે એ થાકી ગયો અને બહુજ ભુખ્યો થયો. તેથી પેલા મહાત્મા કને કંઇ ખાવાનું માગવા તે ભોંયરામાં ગયો. બારણું ઉઘાડી અંદર પેઠો તો તે મહાત્માને મરેલા દીઠા. જમીનમાં ખાડો ખોદી દાટવાનો વિચાર કરે છે. એવામાં પાસેના ગામડામાંથી કેટલાક માણસો ખાવાનું લઈ ત્યાં આવી પહોંચ્યાં. તેમણે મહાત્માને મરેલા જાણી દાટવાના કામમાં મદદ કરી અને ખાવાનું શિવદયાળને આપ્યું. તેમણે બધાએ ત્યાર પછી શિવદયાળને મહાત્માની ગાદી સોંપી. શિવદયાળ તે સ્થાન કબુલ કરી મહાત્માના ભોંયરામાં રહ્યો અને લોકો જે ખાવાનું લાવતા તેટલેથી પોતાનો નિર્વાહ ચલાવતો તથા નદીએથી મોંઢામાં પાણી લાવી રોજ પહેલા ઠુંઠાને પાતો. આ આજ્ઞા તેણે બરોબર પાળી.

આ પ્રમાણે એક વરસ પસાર થયું. ઘણા જણ તેની પાસે આવવા મંડ્યા, અને તેની પવિત્રતાનાં વખાણ થવા મંડ્યા, મોંઢામાં પાણી ભરી પહાડ ચઢીને બળેલા ઠુંઠાને પાણી પાય છે. આવી રીતે તે આત્મહિત કરે છે. મોટા મોટા વેપારીઓ તેની પાસે આવી કીંમતી ભેટો મુકવા માંડ્યા. શિવદયાળ પાતાને જરૂર હોય તેટલું જ લેતો, વધારે જે કાંઇ તેને આપવામાં આવતું એ ગરીબોને વહેંચી દેતો. આમ શિવદયાળના દિવસ પસાર થવા માંડ્યા. અરધો દિવસ પાણી પાવામાં જતો ને અરધો દિવસ તેના દર્શને આવતા તેમની સાથે વાત કરવામાં જતો. પોતે આ પ્રમાણે રહેવાથી પાપો ધોવાશે એમ શિવદયાળ માનતો હતો.

બે વરસ પસાર થયાં. એક દિવસ પણ નિયમ પ્રમાણે પાણી પાયા વિના પસાર ન થવા દીધો. તોપણ પેલા ઠુંઠામાંથી ફણગો ફુટ્યો