પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭
સત્યવાન અને શિવદયાળની વાત

જ્યારે પ્રથમ તમોએ મને ઉપદેશ કર્યો ત્યારે મને સમજણ આવવાને બદલે વધારે ગુસ્સો ચઢ્યો હતો. પણ જ્યારે તમે માણસોથી વેગળા જઈ એકાંતવાસ ધારણ કર્યો ત્યારે મારૂ મન પીગળ્યું, તમે નિષ્કામ છો એવી મારી ખાતરી થઇ. ત્યારથી મને તમારા શબ્દોની અસર થવા માંડી. તે દિવસથી ઝાડ ઉપર હું રોજ રોટલી બાંધું છું.

હવે શિવદયાળને યાદ આવ્યું કે “આરસી સાફ કરવા સારૂ પહેલું તે લ્હોવાનું લુગડું સાફ કરવું જોઈએ. જ્યારે તારૂં હ્ર્દય સાફ થયું ત્યારે બીજાઓના હૃદય પણ હું સાફ કરી શકું છું. જ્યારે મને મોતની બ્હીક ન રહી ત્યારે લુંટારાનું દિલ પીગળી ગયું. ચાક ઉપર ચઢાવવાના લોઢાના પાટા વાળવા સારૂ પ્રથમ તો એનું ચોકઠું મજબુત કરવું જોઇએ. જ્યારે મેં મારૂ દિલ પ્રભુમાં લગાવી મજબુત કરી દીધું ત્યારે લુંટારાનું તોફાની મન પણ શાંત થઇ ઠામ બેઠું.

લુંટારાએ કહ્યું: “જ્યારે તમને મારી દયા આવી અને મારી પાસે રડ્યા ત્યારે મારું મન ઇશ્વર ભણી વળ્યું ”

શિવદયાળનો ચહેરો આનંદથી પ્રફુલિત થઇ ગયો, અને લુંટારાને લઇને પેલા ઠુંઠા આગળ લઇ ગયો. જેવા તેઓ ત્યાં ગયા કે ત્રીજા ઠુંઠામાથાં પણ ફણગા ફુટેલ દીઠા. શિવદયાળે ફરી પેલા ભરવાડનો કિસ્સો યાદ કર્યો. જ્યારે તેમણે ભારે અગ્નિ સળગાવ્યો ત્યારે જ લીલાં લાકડાં સળગવા માંડ્યાં. જ્યારે મારું દિલ બીજાના દુઃખથી બળવા માંડ્યું ત્યારે બીજાને પણ તેની આંચ લાગી. “ આથી તે બહુજ રાજી થયો કેમકે હવે તેનાં પાપ બળીને ભસ્મ થઈ ગયાં હતાં.

પોતાની તમામ વિતેલી વાત શિવદયાળે પેલા લુંટારાને કહી, પેાતાને સત્યવાનનાં દર્શન થયાં એવી તેની ખાતરી થઇ, પોતાના બાપના શબ્દો યાદ આવ્યા કે “જે અત્યંત ભાગ્યશાળી હોય તેનેજ સત્યવાનનાં દર્શન થાય.” સત્યના પ્રતાપથી દેખીતા અસંભવિત બનાવો પણ બની શકે છે એવી તેની ખાતરી થઇ.

પ્રિય વાંચનાર ! આજના જમાનામાં પણ જે માણસ સત્યને અનુસરે તે એવા ચમત્કાર જોઇ શકે છે એ સંદેહરહિત છે.