પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫
જીવન દોરી

સ્ત્રીનો મીજાજ ગયો છે. થોડીવાર પછી પોતાની સ્ત્રીને કહ્યું: “અમને હવે કંઇ ખાવાનું તું આપશે ?”

તેણે સાંભળ્યું જ ન હોય તેમ તે બરબડી. અને રસોડામાંથી ચુલા પાસેથી ઉઠીજ નહીં, તેતો પોતાના ધણી તરફ જોઇ નિશ્વાસ નાખ્યા કરતી હતી.

નથુએ આ કંઇ બાબત ધ્યાનપરજ ન લીધી. તે દેવદુત પાસે જઈ કહેવા લાગ્યો: “ભાઇ અહીં એક બાજુએ શું કામ ઊભો રહ્યો? આવ, અને આ ગુણીઆપર બેસ, આપણે હવે વાળુ કરીશું.” પોતાની સ્ત્રીને પુછવા લાગ્યો: “કેમ કંઇ આજે રાંધ્યું છે કે નહીં ?”

સ્ત્રીએ કહ્યું: “રાંધ્યું છે, પરંતુ તમારે માટે તે નથી. દારૂ પી પી તમે તમારી બુદ્ધિજગુમાવી છે! તમે શહેરમાં મારે સારૂ તેમજ છોકરાંઓ સારૂ કપડાં લેવા ગયા તે ન લાવતાં દારૂ પી પીને રસ્તે ચાલતાં આ નગ્ન રખડતા ભીખારીને સાથે ઉપાડી આવ્યા. તમને કઈ શરમ નથી આવતી? તમારા જેવા પીધેલને માટે મારી પાસે ખાવાનું નથી.”

નથુ જરા ગુસ્સાના આવેશમાં બોલ્યો: “હવે એટલું બસ થશે. જરા જીભને ટુંકી કર. પ્રથમ તું પુછ તો ખરી કે એ કેવો માણસ છે ?”

સ્ત્રીએ કહ્યું: “તમે તે પૈસાનું શું કર્યું તે તો કહો !” દારૂ પીતાં થોડા પૈસા રહ્યા હતા તે નથુએ તેના તરફ ફેંકી દીધા અને જણાવ્યું કે ઉઘરાણી બીલકુલ મળી નહીં. આવતા અઠવાડીયામાં વાયદો કર્યો છે. ત્યારે કપડાં વિષે જોઇશું.

આ સાંભળી સ્ત્રી વધુ ગુસ્સે થઇ, અને એક નગ્ન ભીખારીને પરમાં આણેલો જોઇ તે નથુપર ગાળો વરસાવવા લાગી. પાસે પડેલા પૈસા લઇ તે નથુને કહેવા લાગી કે “મારી પાસે ખાવાનું નથી, આવા રઝળતા ભીખારીને તમે ઘરમાં લાવ્યા કરશો અને હું ખાવાનું ક્યાંથી આપીશ ?”