પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨
માહાત્માજીની વાતો.


નથુએ કહ્યું: “હા સાહેબ.”

શેઠીઓ બોલ્યો: આટલું તારે ખાસ યાદ રાખવાનું છે કે તું કેવા સરસ ચામડાંમાથી અને કોને સારૂ જોડા બનાવવાનો છે. તારે એવા સરસ જોડા બનાવા પડશે કે એક વરસ સુધી ઘાટ બદલાયા સિવાય ચાલે, તારાથી એવી રીતે બનતું હોય તોજ ચામડું કાપજે, નહીં તો રહેવા દેજે. હું બીજી જગ્યાએ આપીશ. જો એક વરસની મુદ્દતમાં જોડા ફાટી ગયા કે આકાર બદલાયો તો હું તને જેલમાં મેાકલીશ એ ધ્યાનમાં રાખીને જોડા બનાવવાનું માથે લેજે. અને જો એક વરસ સુધી આકાર બદલાયા સિવાય ચાલશે તો તને બમણું દામ આપીશ.

નથુ તો આથી ગભરાઈ ગયો હતો તે દેવદુત્ત પાસે જઈ કાનમાં કહેવા લાગ્યો કે “કેમ આ કામ લઇએ ને ?”

દેવદુત હા પાડી, એટલે શેઠીઆને કહ્યું કે “તમારી શરત મુજબ જોડા બનાવી શકીશ.” શેઠીએ પગનું માપ લેવાનું કહ્યું: નથુ માપ લેતો હતો. એટલામાં તે શેઠીઆએ દેવદુત ભણી નજર નાંખી પુછ્યું: “આ કોણ છે ?” નથુએ જણાવ્યું કે મારો નોકર છે. શેઠીએ કહ્યું કે એવા સરસ જોડા બનાવજે કે એક વરસ સુધી ચાલે.

દેવદુતે સાંભળ્યા કર્યું. તેની નજર શેઠીઆની ઉપર હતી. અને કેટલીક વખત તેના માથાની ઉપર ઉંચે જોયા કરતો હતો, કેટલોક વખત સુધી એમ જોયા પછી તે હસી પડ્યો. અને તેનો આખો ચહેરો પ્રકાશમાન જણાવા લાગ્યો.

શેઠીએ દેવદુતને કહ્યું: “તું શું હસે છે? કંઈ જંગલી જેવો લાગે છે. એટલું બરાબર ધ્યાન રાખજે કે વખતસર જોડા તૈયાર કરવાના છે.”

દેવદુતે કહ્યું: આપને જ્યારે જોઈએ ત્યારે હું હાજર કરીશ.

શેઠીઆએ બીજી આપવા જેવી સુચના આપી ત્યાંથી પોતાની ગાડામાં બેસી વિદાય થયો.