પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬
માહાત્માજીની વાતો.


મુખી આવ્યો એટલે બધા લોકોએ ઉભા થઇને તેને માન આપ્યું. પટેલે તરત જ પોતાનો સામાન ખોલી એક સરસ ચીજ કાઢી તેને ભેટ આપી. મુખીએ તે વિનયથી સ્વીકારી અને પોતાને લાયક સ્થળે બેઠો. લોકોએ બધી વાત તેને કહી અને મુખીએ તે શાંતિથી સાંભળી પછી તે પ્રેમા પટેલની સામે જોઇ કહેવા લાગ્યો:

“ભલે તમારી મરજી પડે ત્યાંથી જોઇએ તેટલી જમીન તમે લઇ લો. અમારી પાસે પુષ્કળ જમીન છે.”

પટેલ વિચારવા લાગ્યાં: “એમ કેમ લઇ લઉં. કાંઇ ખત તો જોઇએ, નહીં તો આજ આપે અને કાલ લઈ લે તો હું શું કરૂં !”

પછી તે બોલ્યો: “હું તમારો ઉપકાર માનું છું. તમારે જમીન છે તે ખરૂ, પણ મારે તો થોડી જ જોઇએ છે. માત્ર એટલું જ જાણવા માગું છું કે તમે મને કઈ જમીન આપશો, અને જે આપશો. તેના કાયદેસર ખત કરી આપવાના કે નહીં ? આપણી જીવનદોરી મોટા ધણીના હાથમાં છે, તમે પોતે માયાળુ છો, પણ મારાં છોકરાં પાસેથી તમારાં છોકરાં કદાચ તે જમીન પાછી ન લઇ લે તેની ખાત્રી શું ?”

મુખીએ જવાબ આપ્યો: “તમે કહો છો તે બરોબર છે, તમોને ખત કરી આપશું.”

પટેલે તો બોલવું ચાલુજ રાખ્યું: “મેં સાંભળ્યું છે કે એક વેપારી અહીં આવ્યો હતો, અને તેને જમીન આપી તમે દસ્તાવેજ કરી આપ્યો હતો. મારે પણ તેવો જ દસ્તાવેજ જોઈએ.”

મુખી તરત જ સમજી ગયો અને બોલ્યો કે: હા, બધું તમે કહેશે તેમ થઈ રહેશે. અમારો કામદાર આવે એટલે તેને લઈ શહેરમાં જઈને તમોને ખત કરી આપશું.

પટેલે પુછ્યું: “તમે શા ભાવે જમીન આપો છો.”

મુખીએ કહ્યું: એકજ દામ છે. હજાર રૂપિયે એક દિવસ.”

પટેલ સમજ્યા નહીં. તેણે પુછ્યુ, “એક દિવસ તે કેવું માપ? કેટલા એકરનો દિવસ ? ”