પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮
માહાત્માજીની વાતો.

લઈશ, ચાલવામાં જરા પણ ખામી નહીં આવવા દઉં. દિવસો લાંબા છે તેથી વીશેક ગાઉ તો હું ખુશીથી ચાલી શકીશ. તેટલા ચક્કરમાં કેટલા એકર થાય તેની ગણતરી પણ હું તો કરી નથી શકતો ! જમીનમાં કોઇ ભાગ ખરાબ હશે તો હું તે વેચી નાંખીશ, અથવા ભાડે આપી દઇશ, અને સરસમાં સરસ ભાગ હશે તે ખેડીશ. પછી ઘણાં ઢોર પણ ખરીદશું. જમીન ઘણી હશે એટલે ઢોરનું ખરચ જરા પણ માથે નહીં પડે.”

આવા આવા વિચારોમાં લગભગ આખી રાત પટેલને નીંદ્રા આવી નહીં. છેક પરોડીએ ઝોકું આવ્યું. હજી તો સ્હેજ આંખ મીંચાણી ત્યાં તેને સ્વપ્નું આવ્યું: “મુખી જાણે હસતો હસતો પોતા ભણી આવે છે, જરાક નજીક આવ્યો એટલે જણાયું કે તે તો પેલો વેપારી, જે તેને ત્યાં મેમાન હતો તેજ બીજું કોઈ નહીં. વળી જરા પાસે આવ્યો એટલે તેને લાગ્યું કે મુખી કે વેપારી કોઇ નહીં પણ તે તો વિકાળ બાબરો છે તે આકૃતિ થોડીવારમાં તેની પાસે આવી બેઠી. પટેલે નીહાળીને જોયું તો બાબરાનું શરીર તેને બહુ ભયંકર લાગ્યું અને તેની પડખે એક મુડદું જોયું. મુડદાને તપાસ્યું તો તે કોઈનું નહીં પણ પોતાનુંજ જણાયું.” આ જોઇ તે હેબતાઇ ઉઠ્યો.

જાગીને વિચારવા લાગ્યો: “આનો અર્થ શું હશે” પાછો વળી વિચાર આવ્યો, “અરે કંઇ નહી, એ તો માત્ર સ્વપ્નુંજ,” પછી ઓઢવાનું ઊંચું કરી જોયું તો સવારનું ઝાંખુ અજવાળું જણાયું.

પોહ ફાટ્યું જાણી પટેલ પથારીમાંથી ઉભા થઇ ગયા. હાથ મોઢું ધોઈ તૈયાર થયા પછી પોતાના ગાડીવાળાને ઉઠાડી કોદાળી લઇ મુકરર કરેલી જગ્યાએ પહેચ્યા. ત્યાં જઇ બધા માણસોને જગાડ્યા. તેઓ બધા હાથ મોઢું ધોઇ નાસ્તો કરવા બેઠા. પટેલને પણ જરા નાસ્તો કરી લેવા કહ્યું. પણ તેણે તો નાજ પાડી, અને કહ્યું કે હવે વખત થયો છે ચાલો ઝટ કામ શરૂ કરી દઇએ.