પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦
માહાત્માજીની વાતો.

સુરજના તેજથી ચળકતાં હતા. તેણે વિચાર્યું કે ત્રણ સાડાત્રણ ગાઉ ચલાયું હશે. હવે તેને જરા પસીનો થવા લાગ્યો, એટલે કેડીયું કાઢી ખભે નાખ્યું અને પાછા પગ ઉપાડ્યા. થોડીવાર પછી સુરજ સામું જોયું તો લાગ્યું કે હવે શીરામણ ટાણું થયું છે.

પટેલ મન સાથે વાત કરવા લાગ્યા: “એક પહોર તો હમણાં પુરો થશે, તોય હજી ત્રણ પહોર બાકી છે. વળવાને હજી ઘણીવાર છે.” એમ કહી પગરખાં કાઢ્યાં, અને ત્યાંજ જમાવ્યું. ઉતાવળે ઉતાવળે થોડા રોટલા ખાઇ લીધા. તે સિરોઇમાંથી થોડું પાણી ઢીંચી ઊભા થયા. પગરખાં આ વેળા ભેડમાંજ બાંધી લીધાં અને પાછું ચાલવા માંડ્યું.

ચાલતાં ચાલતાં વિચાર કરે છે: “હવે તો ઘણી સ્હેલાઇથી ચલાય છે, એક ગાઉ વધારે ચાલશું, અને પછી પાછા ફરશું. સામેની જમીન કંઇ વધારે સારી લાગે છે. એ છોડી દેવા જેવી નથી.” આમ વિયારતાં વિચારતાં દોઢેક ગાઉ આગળ નીકળી ગયા પછી ત્યાંથી બાજુએ વળ્યા.

હવે ટેકરી ઉપર નજર કરી તો ત્યાં ઉભેલા લોકો ઉંદર જેવડા લાગતા હતા. પટેલ પાછા જરા થોભ્યા, સિરોઇમાંથી પાણી પીધું, અને થોડીવાર થાક ખાઇ પાછું ચાલવા માંડ્યું.

થાક ખાધો એટલે થોડો વખત તો નવું જોર આવવાથી ઝડપથી ચાલ્યા પણ હળવે હળવે પગ ભારે થવા લાગ્યા.

તેણે વિચાર્યું: “ફક્ત એક બે કલાક સહન કરવાનું છે. પછી તો જીંદગીની નીરાંત છે. આખી પેઢી તરી જશે.”

કેટલુંક ચાલ્યા પછી ત્રીજો ખુણો વળવાનો વિચાર થયો, પણ સામેની થોડીક જમીન ઘણીજ સરસ લાગી, તેથી વિચાર્યું કે આ જમીન છોડી ન દેવી જોઇએ, અહીં પણ સારૂં ઉગે એવું લાગે છે. એટલે ત્યાં જઇ નિશાની કરી. “હવે તો વખત બહુ થોડો છે. તેથી પાછું વળવું જોઈએ.” એમ કહી ત્રીજે ખુણે વળ્યાં.