પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨
માહાત્માજીની વાતો.

કરે છે. પોતાનો બધો સામાન જ્યાં મુક્યો હતો ત્યાંજ પડેલો તેને દેખાતો હતો.

પ્રેમા પટેલને સવારે આવેલું સ્વપ્નું નજરે તરવરવા લાગ્યું: તેના મનમાં લાગ્યું: “હવે જમીન તો મારી પાસે પુષ્કળ થઇ પણ હું જીવીશ નહીં.” તોપણ સાવ હીંમત નથી હારતો. સુરજ સામું જુએ છે તો તે અરધો આથમી ગયો છે.

પોતામાં જે કંઈ તાકાત રહી હતી તે અજમાવી દોડવા માંડ્યું. જેવો ટેકરી પાસે પહોંચ્યો કે સુરજ અસ્ત થયો, તે બબડ્યો :“હાય ! હાય ! બધું ખોયુ !” તે અટકવા જાય છે. તેવામાં ટેકરીપરનાં લોકોએ બુમ પાડી કે એકદમ આવ, ઝટ કર, દોડ, પટેલને ખ્યાલ આવ્યા કે સુરજ અહીંથી તો અસ્ત થયો દેખાય છે પણ ટેકરીપરથી નજરે પડતો હોવો જોઇએ. એટલે તેણે માંડ માંડ શ્વાસ લેતાં વળી પગ જોરથી ઉપાડ્યો.

ટેકરી ઉપર હજી તડકાનો પ્રકાશ જોવામાં આવતો હતો. તે મનમાં ચિંતવતો હતો કે “પેલો મારો સામાન દેખાય, પેલો મુખી દેખાય.” મુખી પેટ પકડીને હસતો હતો. પ્રેમાને તેનું સ્વપ્નું યાદ આવ્યું. તેનાં હાજાં ગગડી ગયાં. પગ લથડવા લાગ્યા અને નિશાન આગળ પહોંચતાંજ હાથ લાંબા કરી ભોંય પર પડ્યો.

મુખી બુમ મારી ઉઠ્યો: શાબાશ તું ખાટી ગયો, તને બહુ સરસ જમીન મળી છે.”

પ્રેમા પટેલનો ગાડાંવાળો તેને લેવા દોડ્યો પણ પટેલના શરીરમાં પ્રાણ નહોતો તેના મોઢામાંથી લોહી વહેતું હતું.

લોકો બધા દીલગીર થઈ માથું ધુણાવવા લાગ્યા. પટેલના માણસે કોદાળી લીધી, અને બરોબર પટેલનું શબ માય તેટલો લાંબો અને પહોળો ખાડો ખોદ્‌યો, અને પ્રેમા પટેલને તેની ઘોર જેટલી જમીનનો માલિક કર્યો.