પૃષ્ઠ:Mameru.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કો શીખવી બોલાવે બાળ, વારી રાખે છે;
કો વાંકા બોલી નાર, વાંકું ભાખે છે.
એવાં કૌતક અનેક, સહુકો દેખે છે.
સહેજે બોલે અન્યાય, હરિને લેખે છે.
બાઈ કુંવર વહુનો બાપ, કરશે મામેરું;
લઇશ પટોળી સાર, સાડી નહિ પહેરું.
વૈષ્ણવને શી ખોટ, કોટે માળા છે;
વહેવારિયા દશ વીશ, ટોપીવાળા છે.
કુંવર વહુ ધન્ય ધન્ય, પિયર પનોતી છે;
બાપે વગાડ્યો શંખ, સાદર પોતી છે.
વાંકા બોલા વિપ્ર, બોલે ઉપહાસે;
મોકો છાબમાં પહાણ, વાયે ઉડી જાશે.
મૂક્યો દીકરીએ નિઃશ્વાસ, આવી પિતા પાસે;
મહેતે કીધી સાન, રહેજે વિશ્વાસે.

વલણ
વિશ્વાસ રાખો દીકરી, કરમાં લીધી તાળરે;
કાગળ મૂક્યો છાબમાં, મહેતે સમર્યા શ્રીગોપાળરે.

'કડવું ૧૨ મું. - રાગ સારંગ.

ઠાલિ છાબમાં કાગળ ધરિ, નરસિંહ મહેતે સમર્યાં હરિ
વેરાગી સર્વ પુઠે ગાય, નાગરને મન કૌતક થાય.
વાંકા વચન બોલે વેદિયા, મેહેતો માધવમાં ભેદિયા;
જુઓ છાબમાં મૂક્યું સાર, ઓ દિસે કમખાની હાર.
તે બોલ અંતર નવ ધરે, મહેતો સ્તુરિ માધવની કરે;
જય દામોદર બાલમુકુન્દ, નરકનિવારણ નંદાનંદ.
વિશ્વેશર વૃન્દાવનચંદ, દેવકિનંદન આનંદકંદ;
ગોપિનાથ ગોવિંદ ગોપાળ, અનાથબંધુ દીનદયાળ.
હું સેવકની લેજો સંભાળ, મોસાળાંની કરજો ચાલ;
મુખે કીર્તન હાથે તાળ, નાત્ય નાગરી બોલે આળ.
છે દોહેલો લોકાચાર, લજ્જા રાખજો આણીવાર;
મારો શેઠ તું નંદકુમાર, શું કરશે પાપી સંસાર.