પૃષ્ઠ:Mameru.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

<poem>

તમો પ્રતિપાળો પોતાના દાસ, માટે મુજને છે વિશ્વાસ;

અંબરીષનો નિવાર્યો ત્રાસ, તમે ભોગવ્યા છે ગર્ભવાસ. લીધો મચ્છતણો અવતાર, શંખાસુરનો કીધો સંહાર; કચ્છપરૂપ ધર્યું મોરાર, ચૌદ રત્ન મથી કાઢ્યાં બહાર. માર્યો હિરણ્યાક્ષ મહા પાપી, ધરણી સ્થિર કરીને સ્થાપી; અજામેલ સરખો મહા પાપી, પુત્રને નામે પદવી આપી. પ્રહ્લાદની દોહલી જાણી વેળા પરમેશ્વર પ્રગટ થયા વહેલા; ધ્રુવનો જન્મમરણ ભય હર્યો, અવિચળ પોતા સરખો કર્યો. પોપટ પઢાવતી પુંશ્ચલી, વૈમાને બેશી વૈકુંઠ પળી; તમો ઉચ્છિષ્ટ આરોગ્યા બદરી, તો પરમ ગતિ પામી શબરી. લગાર ચરણ નમાવ્યું શીશ, વિભીષણ કીધો લંકાધીશ; તાર્યો કુટુંબ સહિત તે માછી, નવ પામ્યો જન્મ પીડા પાછી. છો દોહેલી વેળાના સાથી, તમે ગ્રાહથી મૂકાવ્યો હાથી; બટુક વેષ થયા વામન, જાતું રાખ્યું ઈંદ્રાસન. પ્રભુ પાંચાલિનું દુઃખ જાણ્યું, પૂર્યાં ચીર નવસેં નવાણું; કૌરવથી જિતાડ્યો પારથ, કુરૂક્ષેત્રમાં હાંક્યો રથ. રુક્‌માંગદ તાર્યો સંસાર, હરિશ્ચંદ્રની કીધી વાર; શંખ પૂજતો રાજકુમાર, ચંદ્રહાસ રાખ્યો ત્રણ વાર. તમે સુધન્વા બળતો રાખ્યો, જો પિતાએ કઢામાં નાંખ્યો; વહેરાતાં નવ રોયો રજ, મુક્તિ પામ્યો મુરધ્વજ. ખાંડવ વન ખગ લીધાં રાખી, ગજઘંટા તે ઉપર નાંખ્ખી; વિદુરની આરોગ્યા ભાજી, તેની પ્રીતે થયા તમો રાજી. સુદામાના લેઈ તાંદૂલ, નવનિધ, આપી તે અમૂલ્ય; મદ માધવાના મનનો હર્યો લીલાએ ગોવર્ધન ધર્યો. દાવાનળ પીધો જદુરાય, બળતાં રાખ્યાં ગોપી ગાય; કુબ્જાની તમે લીધી અર્ચા, તમે લોકતણી સહિ ચર્ચા. અનાથબંધુ દીનદયાળ, હું સેવકની લેજો સંભાળ; તમો છો દામોદર દક્ષ, હું સરખા સેવક છે લક્ષ. મારે એક તમારી પક્ષ, પરમેશ્વર થાજો પ્રત્યક્ષ; મારે માથે દુઃખના વૃક્ષ, તેથી લાજે તમારો પક્ષ.