પૃષ્ઠ:Mameru.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ધનવત છે નાગરી ન્યાત, તેમાં દુર્બળ મારી જાત્ય;
દુઃખે દુભાષે તેત્રીસ ક્રોડ, કલ્પવૃક્ષને લાગે ખોડ.
શોભા વૈષ્ણવની જો ગઇ, કળા તમારી ઝાંખી થઈ;
મુને સગાં થઇ લાગ્યાં જમ, તમને નિદ્રા આવે ક્યમ.
સગાં સૌ બેસાડ્યાં આણી, પુત્રીના કરમાંહિ પિગાણી;
છે કંકુવોણી કંકાવટી, પુત્રીને થાએ ચટપટી.
મધ્યાહ્ન ઉપર થઇ બે ઘટી, વહેલા આવો વેળા વટી;
કુંવરબાઇ તારે આશરે, હું દુર્બળથી અર્થ ન સરે.
શું સૂતો વૃંદાવન માંય, ત્યાં શું રાધાજી ચાંપે પાય;
લલિતા વિશાખા ચંદ્રાવળી, તને ઉત્તમ નારી કો મળી.
રંગમાં જો રે જાદવપતિ, સાંભળ સેવકની વીનતિ.
કબીરને જેમ કરુણા કરી, સમયે દર્શન દીધું હરિ;
ભક્ત એક દામોદરજી, તેનું પય પીધું તમે હરજી.
ત્રિલોચનનું મહા દુઃખ હર્યું, સેવક થઇને પાણી ભર્યું.
અભયદાન કોળીને દીધું, મીરાંબાઇ તણું વિષ પીધું.
શેના માટે નાપિક થયા, વપન કરવાને પ્રભુજી ગયા;
હું તમને કદી નવ સંભારતો, લાવતો ઘાસ મહિષી ચારતો.
નવ જાણતો ધોળાપર કાળો, ભાભીએ મને કીધો ગોવાળો;
સદાશિવે મને કીધો દાસ, દેખાડ્યો મને અખંડ રાસ.
મેં જોયો તમારો વિલાસ, તેવો મેં કીધો અભ્યાસ,
લોક બોલે મને ઉપહાસ, મારે મન તારો વિશ્વાસ.
બોલાવિએ પોતાનો કહી, તેને ત્રિકમ તજિએ નહીં;
ખીચડો જમવા આવ્યા નાથ, હું માટે કીધા પંચ હાથ.
હું મધ્ય રાતે તરશ્યો જાણી, ઝારી લઇને પાયું પાણી;
મને સાચો કીધો કોટી વાર, હુંડી શિકારી શ્રીમોરાર.
તમો તે રીતે મોસાળું કરો, ઠાલી છાબ સોનૈએ ભરો;
જો નહિ આવો સુંદરશ્યામ, તો નગર સાથે છે કામ.

વલણ
નાગર સાથે કામ છે, સમજી લેજો વાત રે;
સુણી નરસૈંની વિનતી, ઉઠી ધાયા વૈકુંઠનાથરે.