પૃષ્ઠ:Mameru.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કડવું ૧૩ મું. - રાગ પ્રભાતી.

ઉધડકી ઊઠિયો, વેગે વૈકુંઠપતિ, ગરુડ ક્યાં ગરુડ ક્યાં વદત વાણી;
ચાલ્યા ચતુરાં, ચતુર્ભુજ ભણે ભામિની, નષ્ટ નાગરે મારી ગત્ય જાણી. ઉ.
નરસૈયો નાગરો, ભક્ત તે માહરો, છાબ ભરો તેહની શીઘ્ર થાઓ;
જન ઘણા હઠ કરે, ગયા વિના નવ સરે, રિદ્ધિ સિદ્ધિ લેઇ સખી જાઓ. ઉ.
હાથ જેમ સાંકળાં, નંગ બહુ નિર્મળાં, શુભ શણગાર જઇ અંગ સારો;
રીત ને ભાત્ય, રોકડ રખે વિસરો, દીન થઇ કરગરે દાસ મારો. ઉ.
ચીર ચરણાં ઘણાં, હોય ચતુરે વણ્યાં, અધિક એક એકથી અમૂલ્ય જાણો;
સ્વપ્ને કો નવ પડે, નામે કો નવ જડે, અંગ આળસ તજી તેહ આણો. ઉ.
ઈંદ્ર બ્રહ્મા જેનો, પાર પામે નહીં, માગે મુખ બોલતાં વદત વાણી;
નાથ લક્ષ્મીતણો, એણીપેરે આવિયો, અગણિત ગાંઠડી સંગ આણી. ઉ.

રાગ મારુ.
 
ભક્ત નરસૈયાનું દુઃખ જાણીરે, ઉઠી ધાયા પુરુષપુરાણીરે;
થયા શેઠ તે સારંગપાણીરે, સાથે લક્ષ્મી થયાં શેઠાણીરે.
નંદ સુનંદ ગરુડ સાથેરે, વસ્ત્ર ગાંઠડિયો તેને માથેરે;
રથે બેઠા શ્રીગોપાળરે, ઘમકે ધોરીને ઘુઘરમાળરે.
લોકે ઓળખ્યા નહિ જગદીશરે, સાથે વાણોતર દશ વીશરે;
સર્વે જોઇ જોઇ વિસ્મય થાય રે, પ્રભુ આવ્યા મંડપમાંયરે.
સર્વે જોઇ જોઇ વિસ્મય થાયરે, પ્રભુ આવ્યા મંડપમાંયરે.
છડીદારે વાડ મૂકાવીરે, નાગરી નાત જોવાને આવીરે.
આ વહેવારિયો કોઇ આવ્યોરે, સાથે ગાંઠડિયો ઘણી લાવ્યો રે.
કોઇ જાણે ન ત્રિભુવન ભૂપરે, વહાલે લીધું વણિકનું રૂપરે;
રથ ઉપરથી ઉતરિયારે, હરિ સભામાંહી સાંચરિયા રે.
ખટ દર્શને ખોળ્યો ન લાધેરે, જેને ઉમયાવર આરાધેરે;
ન જડે ધ્યાને દાને બહુ જાગે રે, તે હરિ અણવાણે પાગેરે.
જે ચૌદલોકનો મહારાજરે, મહેતા માટે થયા બજાજરે;
વાઘો શોભે કેશર છાંટેરે, બાંધી પાઘડી અળવે આંટેરે.
કાન કુંડળ હીરે જડિયાં રે, નેત્ર પ્રલંબ શરવણે અડિયાંરે;
એક લેખણ કાને ખોશીરે, નામધર્યું દામોદર દોશીરે.
ઝીણા જામા ને પટકા ભારેરે, હરિ હળવે હળવે પધારેરે;
ખાંધે પછેડી ઓઢી નાથે રે, બેઉ છેડા ગ્રહ્યા છે હાથેરે.