પૃષ્ઠ:Mameru.pdf/૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


વલણ.
પુણ્ય તમારું માત મારી, મને મળ્યા શ્રીપરિબ્રહ્મરે;
છે સાધવી સ્ત્રી મહેતાતણી, પછી માંડ્યો ગૃહસ્થાશ્રમરે.



કડવું ૩ જું.-રાગ વેરાડી.

મહેતે માંડ્યો ગૃહસ્થાશ્રમ, પતિવ્રતા ઘેર નારી પર્મ;
દામોદરની સેવા કરે, માળા તિલક ને મુદ્રા ધરે.
સાધુ વેરાગી વૈષ્ણવ સંગ, શંખ તાળ ને વાજે ચંગ;
ચોક માંહી તુળસીનાં વંન, અહર્નિશ થાયે કિર્તન.
નહિ ખેતી ઉદ્યમ વેપાર, હરિભગત મહેતો તદાકાર;
જે આવે તે વૈષ્ણવ જમે, ગુણ ગાઇને દહાડા નિર્ગમે.
વિશ્વંભર પૂરું પાડે અન્ન, વિશ્વાસ ઘણો મહેતાને મન;
બે સંતાન આપ્યાં ગોપાળ, એક પુત્રી ને એક જ બાળ.
શામળદાસ કુંવરનું નામ, તે પરણાવ્યો રુડે ઠામ;
કુંવરબાઇ નામે દીકરી, પરણાવ્યાં રુડો વિવાહ કરી,
પામ્યાં મરણ પત્ની ને પુત્ર, મહેતાનું ભાંગ્યું ઘરસૂત્ર;
પતિવ્રતા વહુ વિધવા થ‌ઇ, કુંવર બાઇ તે કુશળી રહી.
સ્ત્રી પુત્ર મરતે રોયાં લોક, મહેતાને તલ માત્ર ન શોક;
ભલું થયું ભાંગ્યો જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ.
કુંવર બાઇપછે મોતી થઈ, આણું આવ્યું ને સાસરે ગઈ;
સસરો શ્રીરંગ મહેતો નામ, મોટું ઘર કહાવે બહુ દામ.
છે સાસરિયાંને ઘણું અભિમાન, ધનનું તે અતિ કરે ગુમાન;
નણંદ જેઠાણી વાંકું ભણે, કુંવર બાઇને દુબળી ગણે.
આવો વૈષ્ણવની દીકરી, સાસરવેલ સૌ પાવન કરી;
ચેષ્ટા કરે સાસુ ગર્વેભરી, કુંવરબાઇ નવ બોલે ફરી.
છે લઘુવેષ નહાનો ભરથાર, તે નવ પ્રીછે વિવેક વિચાર;
કુંવર બાઇનું આવ્યું સીમંત, સાદર વાત ન પૂછે કંથ.
રુપ દેખી અતિ વહુવરતણું, સાસરિયાં મન હરખેઘણું;
કહે મહેતો હરિનો છે દાસ, મોસાળાંની શી કરવી આશ.
વહુનો ઓરિયો વિતે ખરો, કાંઇક મોસાળું ઘરથી કરો;
દુર્બળની દીકરી રાંકડી, આચાર કરી બાંધો રાખડી.