પૃષ્ઠ:Mameru.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ન કહાવ્યું પિયર ન કોને કહ્યું, પંચમાસી તો એળે ગયું;
સીમંતના રહ્યા થોડા દંન, કુંવર બાઇને થ‌ઇ ચિંતા મંન.
ઓશિયાળી દીસે દામણી, વહુવર આવી સાસુ ભણી;
બોલી અબળા નામી શીશ, બાઇજી રખે કરતાં રીશ.
આપણો ગોર પંડ્યો ખોખલો, જુનાગઢ સુધી મોકલો;
મોકલો લખાવી કંકોતરી, તવ સાસુ બોલી ગર્વે ભરી.
કાં વહુવર તને ઘેલું લાગ્યું, મા મુઇ ત્યારે મહિયર ભાંગ્યું;
તાળ વજાડે કીર્તન કરે, નાચી ખુંદીને ઊદર ભરે.
દરિદ્ર ઘરમાં ફેરા ફરે, તે મોસાળું ક્યાંથી કરે;
જે સગાંથી અર્થ નવ સરે, શું થાયે તેને નોતર્યે.
મહેતાને વહાલું હરિનું નામ, જોવા મળશે બાધું ગામ;'
તમને ડોસો મળવાનું હેત, અમો નાતમાં થ‌ઇએ ફજેત.
તમારો સસરો લાજે બાઈ, વણ આવે સરશે વેવાઇ;
કુંવર બાઈ તવ આંસુ ભરી, સાસુ પ્રત્યે બોલી ફરી.
બાઈજી એમ બોલતાં શું ફગો, દુર્બળ પણ પોતાનો સગો;
અહિં આવી પાછા જાશે ફરી, એ મિષે મળશું બાપ દિકરી.
સાસુને મન કરુણા થ‌ઇ, પોતાના સ્વામીને પૂછ્યું જઈ;
રહ્યા સીમંતના થોડા દહાડા, કુંવર વહુ લે છે આડા.
લખી મોકલો કંકોતરી, મળવા દ્યોને બાપ દિકરી;
વેવાઇને લખીએ એક પત્ર, જેમતેમ કરતાં આવજો અત્ર.
શ્રીરંગ મહેતો પરમ દયાળ, કાગળ એક લખ્યો તત્કાળ;
સ્વસ્તિશ્રી જુનાગઢ ગામ, જે હરિ વૈષ્ણવનો વિશ્રામ.
નાગરી નાતતણા શણગાર, સાધુ શિરોમણિ પરમ ઉદાર;
ભક્ત નાયક વૈષ્ણવના ધણી, સદા કૃપા હોય કેશવતણી.
સર્વોપમા જોગ કરુણાધામ, મહેતા શ્રીપંચ નરસૈં નામ;
અહિં સહુને છે કુશળક્ષેમ, લખજો પત્ર તમો આણી પ્રેમ.
એક વધામણિતણો સમાચાર, અમારાં ભાગ્યતણો નહિ પાર;
કુંવર વહુને આવ્યું સીમંત, અમ ઉપર ત્રૂઠા ભગવંત.
માઘ શુદિ સપ્તમી રવિવાર, મુહૂર્ત અમે લીધું નિર્ધાર;
તમો તે દીન નિશ્ચય આવજો, સગાં મિત્ર સાથે લાવજો.