પૃષ્ઠ:Mameru.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

<poem>

ચતુરપણું નિર્ધનનું જેહ, ઘેલામાંહી ગણાએ તેહ;

લોક બોલાવે દુર્બળ કહી, એથી માઠું કાંઈ બીજું નહીં. પિતાજી કાંઈ ઉદ્યમ નવ કરો, ધનનો નવ રાખો સંઘરો; આ અવસર સચવાશે કેમ, પિતાજી તમે વિચારો એમ. નથી લાવ્યા કંકુની પડી, નથી લાવ્યા મોડ નાડાછડી; નથી માટલી ચોળીને ઘાટ, એમ શું આવ્યા બારેવાટ. કેમ કરી લજ્જા રહેશે તાત, હું શે ન મુઈ મરતે માત; માતા વિના સુનો સંસાર, માતા વિના તે શો અવતાર. જે બાળકની માતા ગઈ મરી, બાપની સગાઈ સાથે ઊતરી; જેવું આથમતા રવિનું તેજ, મા વિના એવું બાપનું હેત. સુરભિ મરતાં જેવું વચ્છ, જળ વિણ જેવું તલફે મચ્છ; ટોળાં વછોઈ જેવી મૃગલી, મા વિના દીકરી એકલી. લવણ વિના જેવું ફીકું અન્ન, ભાવ વિના જેવું ભોજંન; કીકી વિના જેવું લોચંન, મા વિના તેવું બાપનું મંન. ઘડો ફૂટે રઝળે ઠીકરી, મા વિના એવી દીકરી; ગોળ વિના મોળો કંસાર, માત વિના સૂનો સંસાર. શીદ કરવા આવ્યા ઉપહાસ, સાથે વેરાગી પાંચ પચાસ; શંખ તાળ ને માળા ચંગ, એ મોસાળું કરવાના ઢંગ. ન હોય તો પિતા જાઓપાછા ફરી, એવું કહીને રોઈ દીકરી; મહેતે મસ્તક મૂક્યો હાથ, કરશે મોસાળું વૈકુંઠનાથ. પહેરામણી કરવી હોય જેટલી, આસામી લખી લાવો તેટલી; લખજો સાસરિયાં સમસ્ત, વિસારશો મા એક વસ્ત. વચન મહેતાજીનાં સુણી, કુંવરબાઇ આવ્યાં સાસુભણી; મારે પિતાએ મોકલી હૂંય, લખો કાગળમાં જોઇયે શૂંય. મુખ મરડીને બોલી સાસુ, શો કાગળ ચીતરવો ફાંસુ; છાબમાં તુળસીદળ મૂકશે, ઊભો રહીને શંખ ફૂંકશે.

વલણ

ફૂંકશે શંખ ઊભો રહી, નરસૈયો મોસાળું શું કરે; સંવાદ વહુઅરનો સાંભળી, પછે વડ સાસુ એમ ઓચરે.