પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૦]
માણસાઈના દીવા
 


આખરે ભાઈ ઈશ્વરલાલની લાગણી ફાવી, ને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મારો ને મહારાજનો મેળાપ થયો. મારા પર એમની આંખ અમીભરી હતી તે તો હું જાણતો હતો. બેએક વાર મળેલા. એક વાર તો, અમદાવાદના છેલ્લા કોમી હુલ્લડ પછી, 'ફુલછાબ કાર્ટુન કેસ' નામે જગબત્રીસીએ ચડેલા અમારા મુકદ્દમા દરમિયાન અદાલતની સામે જ આવેલ કોંગ્રેસ-કચેરીના ફૂટપાથ પર પોતે ઊભા હતા : પાતળી કાઠીની, અડીખમ, પરિભ્રમણે ને ટાઢતડકે ત્રાંબાવરણી બનાવી, ટીપીને કોઈ શિલ્પીએ ઘડી હોય તેવી એ માનવમૂર્તિ સ્વચ્છ પોતિયે, સ્વચ્છ બ્રાહ્મણ-બંડીએ ને પીળી ટોપીએ, ઉઘાડે મોટે પગે એવી શોભતી હતી કે મારા અંતરમાં એ હંમેશાંને માટે વસી ગઈ છે. હુલ્લડમાં હોમાયેલ નિર્દોષ જનોનાં મુડદાંને બાળીબાળીને પછી તાજું જ સ્નાન પરવારીને આવ્યાં હોય તેવા એ દેખાયા હતા.

એ એકાદ મિનિટે જે મોંમલકાટભર્યા પોતે પર મારા પેલા ફૂટપાથ પરથી કરુણાર્દ્ર મીટ વરસાવી રહ્યા, તેમાં તો હું આજેય નાહી રહ્યો છું.

એવા એમના વાત્સલ્યની પીઠિકા પર અમારું બેઉનું મળવું એમની માંદગીની સરકારી પથારી ઉપર થયું. મળવા તો કેટલાંય માણસો આવતાં; પણ પહેરેગીર પોલીસ ફરજને વશ હોઈને કમને પણ મુલાકાતીઓને ઝટ ઝટ ઉઠાડતો હતો. હુંયે એમાં અપવાદ નહોતો બનવા માગતો. પણ કોને ખબર ક્યાંથી-—એક સાહિત્યકાર આવ્યો છે તે મહારાજની વાતોમાંથી જાહેર કશીક રસભરી પ્રસાદી પીરસવાનો છે તેવી કોઈક આંતરનિગૂઢ માન્યતાથી !-—મારું થોડુંક વિશેષ રોકાણ એ સરકારી ચોકીદારો સહી લેતા.

મહારાજે પોતાના અનુભવો પોતાની જાણે કહેવા નહોતા માંડ્યા. એમને પણ મારા જેવો જ સંકોચ થયો હશે કે, આ 'સાક્ષર' ને ગામઠી વાતોમાં શો સાર જણાવાનો છે! પણ મારી પ્રકૃતિમાં એક લાભદાયી તત્ત્વ છે: હું એક રસધોયું શ્રોતા છું; સામાંની વાતોને સાંભળ્યા જ કરવાનો સ્વાદિયો છું, કાંઈક પ્રશ્ન પૂછીને મેં જ પ્રારંભ કર્યો હશે, ને પછી તો મહારાજની વાગ્ધારા ચાલ્યા જ કરી હતી.

આટલી વાતો જો બીજા કોઇએ કરી હોય તો કદાચ કંટાળો નહિ, અણગમો પણ નહિ; તોય, કંઇ નહિ તો, વક્તામાં ‘હું’—અહમ્—છલકાઈ