પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪
માણસાઈના દીવા
 

બૈરાં-છોકરાંને દાણા પણ ન પહોંચાડું ? એણે શો અપરાધ કર્યો છે ?"

"એ કશું હું ન જાણું, રવિશંકર ! વડદલામાં આવવું હોય તો સીધા આવજો ને સીધા જજો. બીજી કશી પ્રવૃત્તિ કરવી હોય તો અહીં ના અવશો ના - હું તમને કહી મૂકું છું."

...ભાઈ જ્યારે આવું કંઈ કહે ત્યારે એનો ભયંકર મર્મ ન ગ્રહી લે એવો બે-માથાળો માનવી કોઈ જનેતાએ જણ્યો નહોતો. રવિશંકર મહારાજ ...ભાઈને મેડેથી નીચે ઊતર્યા. એમણે જોખમનો હિસાબ મૂકતાં એક પળ પણ ન લગાડી. એના મનમાં પ્રતીતિ થઈ ચૂકી હતી કે સાતમાંથી છ નિર્દોષ છે અને ફાંસીની ટીપવાળો વાઘલો જો લટકી પડે તો તો પૃથ્વી રસાતાળ જાય.

ગાંધીજી તે વખતે ગુજરાતમાં હતા. એમની પાસે જઈને મહારાજે અથ-ઇતિ હકીકત જણાવી પૂછ્યું : "બચાવની તજવીજ કરું ?"

"જરૂર." મહાત્માજીએ જવાબ વાળ્યો.

"પણ ઘણા પાટીદારો દુઃખ માનશે."

"એ જોખમ તો આપણે ખેડવું જ રહ્યું."

"પણ આ સાત જણા બીજા ગુના તો કરનારા જ છે."

"એ આપણે જોવાનું નથી. આ કિસ્સામાં જો તેઓ નિર્દોષ હોય તો તેમને છોડાવવા તે આપણો ધર્મ છે. તમે જાઓ, તજવીજ કરો. જરૂર પડશે તો હું છેલ્લે મહારાજા ગાયકવાડ પર દયા-યાચનાનો કાગળ લખીશ."

[૩]

"અલ્યા ઓ બામણા !"

સ્ટેશન બહાર ઊભેલા રવિશંકર મહારાજે પોતાની પાછળ આવો અવાજ આવતાં પછવાડે જોયું : થોડે દૂર એક હથિયારધારી ઘોડેસવાર કરડી મુખમુદ્રા કરીને ઊંચા ઘોડા પર બેઠો હતો. સાથે બે ચકચકિત ધારિયાવાળા અંગરક્ષકો હતા. 'આ તે ...ભાઈ ! એ શું મને બોલાવે છે ? આવા શબ્દે !' મહારાજને આશ્ચર્ય થયું. ત્યાં તો ઘોડેસવાર