પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
‘મારાં સ્વજનો’
૭૭
 

મુખમાં ધકેલ્યો છે : ધકેલનારાઓને એ જમીન પાછી આપવાનું એને કહેવા જવું !

"હા, અત્યારે." કહીને મહાદેવભાઈએ મહારાજના હાથમાં એક મુસદ્દો લખીને મૂક્યો. કહ્યું : "આ કાગળ ઉપર એ માણસની સહી લાવો. નીચે જેલ-ઉપરીનો 'મારી હાજરીમાં' એવો શેરો કરાવી લાવો."

કસણી અતિ આકરી હતી. પગ ઊપડવા ના પાદતા હતા. અગાઊ અનેક પ્રસંગે વડોદરાને માર્ગે ફાળો ભરતા હતા, તે બે પગ આ મુસાફરીમાં થથરી રહ્યા. ને વડોદરાની વડી જેલની અંધારી ફાંસીખોલીનાં બારણાં જ્યારે ઊઘડી પડ્યાં, ત્યારે મહારાજે પોતાની સમક્ષ જોયાં બે માનવ-પ્રેતો : બે વાઘલા : દાઢાં વધેલાં : આંખો મોતના ઓળા દેખતી : જાણે એ દ્વાર ફાંસીને માંચડે લઈ જવા માટે જ ઊઘડ્યાં છે !

"વાઘલા!" મહારાજે પોતે અપીલ કરાવી છે, તેની વાત નહિં પણ આ વાત કાઢી : "વાઘલા ! ગાંધીજીએ તને સંદેશો મોકલ્યો છે. પેલી લડતવાળી જમીન તું પાછી આલે ખરો ?"

"હોવે મહારાજ !" ફાંસીવાળો વાઘલો બોલ્યો : "ભલે ગાંધીજીને એ જમીન હું પાછી આલું છું. લાવો અંગૂઠો કરી આલું. મારે એ જમીનને શું કરવી છે !"

જેલ-ઉપરીની સાક્ષીએ વાઘલે કબૂલાતનામું આપ્યું. ને પછી એણે કહ્યું : "પણ, મહારાજ. ગાંધીજીને કહેશો ? - એ અમને આશિષો ના આલે ? અમે તો હવે આ હીંડ્યા ! અમે ગાંધીજીના દોષો કર્યા તેની તો અમને, આ જુઓ ને, વિનાઅપરાધે શિક્ષા મળી ગઈ છે હવે એ અમને માફી આલીને પોતાના આશીર્વાદ ના આલે ? હેં મહારાજ, તમે કહેશો ગાંધીજીને ?"

"વાઘલા !" મહારાજ માંડ બોલી શક્યા : "હું કહીશ ને એ આલશે આશિષો..."