પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮
માણસાઈના દીવા
 

વધુ વાર મહારાજથી ત્યાં ન ઊભાયું, એમની પીઠ ફરી એટલે, ડૂબેલી નાવ પર પાણી ફરી વળે તેમ, ફાંસી-ખોલીની અંધારીનાં બારણાં બિડાઈ ગયાં.

[૫]

વડોદરાની વરિષ્ઠ અદાલતમાં અંતિમ નિર્ણયનો દિવસ ઊગ્યો. વકીલો સાથે મહારાજ હાજર હતા અને મહારાજની સાથે કેદીઓનાં સગાંઓ વડદલેથી આવીને બેઠાં હતાં. સાતેય કેદીઓ કારાગૃહમાં હતાં. તેમનો બચાવ થઈ રહ્યો છે તેની તેમને ખબર નહોતી, ખેવના નહોતી, આશા નહોતી. ફાંસીની ટીપવાળો વાઘલો, કોઈ પણ પળે આ અંધારીનું બારણું ઊઘડશે અને મોતની અનંત અંધારીનાં કમાડ પાછળ પોતે ધકેલાઈ જશે તેની રાહ જોતો, કોઈનાંયે પગલાં પ્રત્યે કાન માંડી બેઠો હતો.

અદાલતમાં સાંજ પડી. દલીલો પૂરી થઈ ગઈ. ન્યાયકર્તાઓ ઊઠીને 'ચૅમ્બર'માં ચાલ્યા ગયા. કેદીઓનાં સગાંઓ મહારાજની સામે મીટ માંડીને ઊભાં હતાં. મહારાજ ન્યાયમૂર્તિઓની ચૅમ્બર સામે આંખો ચોડીને ઊભા હતા, ક્ષણો પછી ઘડીઓ દોડતી હતી. ઘડિયાળના કાંટા સ્થિતપ્રજ્ઞોની અદાથી ચકરાવો લેતા હતા. ચૅમ્બર તરફથી કોઈ ફરક્યું નહીં.

આખરે મહારાજે કેદીઓનાં સગાંઓને કહ્યું : "તમારે ગાડીનો વખત થઈ ગયો છે માટે જાવ."

એનો અર્થ એક જ હતો : આશા નથી, આંહી રહેવું નકામું છે.

સગાંઓએ વિદાય લીધી. વણસુણ્યો ફેંસલો સમજી લીધો. ગાડી પકડીને તેમણે વડદલાની વાટ લીધી.

તે પછી તરત જ વકીલે આવીને મહારાજને કહ્યું : "ફેંસલો લખાઈ ગયો છે. સહીઓ થઈ ગઈ છે. સાતેય નિર્દોષ ઠર્યા છે."

વધુ વાટ જોયા વગર, પૂછપરછ કર્યા વગર, મહારાજે દોટ કાઢી - વડી જેલ તરફ. ઉપરીને કહે કે, "મને એ સાતેયને મળવા