પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
‘મારાં સ્વજનો’
૭૯
 

દો."

"પણ હજુ હુકમ આવ્યો નથી."

“હુકમ આવશે પણ હું રાહ જોઈ શકીશ નહીં. ભલા થઈને મળવા દો. હું એમને જલદી ખબર દઉં.”

જેલ-ઉપરીની કચેરીમાં આવીને સાતેય કેદીઓ હારબંધ ઊભા રહ્યા. તેમનાં મોઢાં પર પ્રાણ નહોતા. લોહી થીજી ગયાં હતાં. આંખો માત્ર જાણે જૂઠું જૂઠું તાકી રહી હતી; દેવતા જાણે એમાં હતા જ નહીં.

સાતેય મોઢાં પર થોડી વાર નજર લીંપ્યા પછી જરાકે ઉશ્કેરાટ વગર મહારાજે શાંતિમય શબ્દો સંભળાવ્યા...

થોડી વાર તો સાતે શરીર ન હલ્યાં, ન ચલ્યાં કે ન બોલ્યાં, ન દૃષ્ટિ ફેરવી, ન હોઠના ખૂણા પણ હલાવ્યા. પછી સાતેય જણા એકી સાથે કોઈ યંત્રની કળ ફરે ને સાત પૂતળાં પડે એ રીતે - મહારાજના પગમાં ભૂ...સ દઈને એકસામટા પડી ગયા.

સાતમાંથી એકના પણ મોંમાંથી ઉચ્ચાર સરખોય સર્યો નહીં.

મહારાજ ઊઠ્યા. 'હજુ કેમ હુકમ આવી પહોંચ્યો નહીં ? હું જાઉં, લઈ આવું' એમ કરતા ફરી પાછા ન્યાયમંદિર તરફ દોડ્યા. થોડેક જ દૂર એક સાઈકલ-સવાર મળ્યો. એના હાથમાં કાગળ હતો. એ બોલી ઊઠ્યો : "તમતારા સાતની મુક્તિનો હુકમ છે. જેલે લઈ જાઉં છું.”

મહારાજ ઊભા રહ્યા.

સાઈકલવાળો કહે : "મને કાંઈ રાજી નહીં કરો ?”

મહારાજનો હાથ હોંશે હોંશે બંડીના ગજવામાં ગયો.

હાથમાં આવ્યા - ફક્ત બે પૈસા !

પહેલી જ વાર પોતાની અપરિગ્રહી વ્રતદશા એ ભિખારીને અકારી લાગી : અરેરે ! આજે ગજવામાં દસ રૂપિયા હોત તોયે આપી દેત ! નીકળ્યાં ફક્ત બે કાવડિયાં !

“લે, ભાઈ ! વધુ તો કશું જ નથી.”

મહારાજનો એક-બે કાવડિયાંવાળો હાથ હવામાં લંબાયેલો રહ્યો,