પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦
માણસાઈના દીવા
 

મોં વીલું રહ્યું : સાઈકલવાળો પેડલ મારીને ઝડપે જેલ તરફ ચાલી નીકળ્યો, ખસિયાણો હાથ ગજવામાં પાછો ગયો. બે પૈસા પાછા પડ્યા ને લજ્જિત પગ પાછા જેલ તરફ વળ્યા.

[૬]

વળતા દિવસની બપોરની વેળાએ પાંચેક વર્ષનો એક બાળક વડદલા ગામના મારગ-કાંઠા પરના એક ખેતરમાં ઊભો હતો. એને ઘેર, વડોદરા જઈને કાકા વગેરે સવારે જ પાછા આવ્યા હતા, તેમણે માને કોણ જાણે શીયે વાત કરી તે એ બોર બોર જેવડાં આંસુડે રડી હતી. રુદનભર્યા ઘરમાં અકળાઈને બહાર નીકળ્યો હતો ત્યારે વળી કોઈએ એને કહ્યું હતું કે, 'તારો બાપો તો હવે નહીં આવવાનો ! એને તો આજે સવારે ભગવાનને ઘેર લઈ ગયા હશે !' એવું એને ન ગમ્યું, તેથી એ ખેતરે આવ્યો હતો અને ઘણું કરીને તો, બાપો ભગવાનને ઘેર જતો જતો ગામ માથેના આભમાંથી નીકળશે, એ વિચારે વાટ જોતો ઊભો હતો. તે વખતે એણે મારગ પર પગરવ સાંભળ્યો. એની નજર ખેંચાઈ : આઠ જણા ચાલ્યા આવે છે. કોણ હશે ? નજીક આવ્યા - નજીક... હજુ નજીક... વધુ નજીક ને છેક જ નજીક જોયા : ઓળખ્યા. એકને તો પૂરેપૂરો પ્ળખ્યો. ઓળખ્યો છતાં એ પાસે આવવાને બદલે ફાળભર્યો, આશ્ચર્યભર્યો, હર્ષભર્યો - કે શું જોયું તે સાચું હોઈ શકે નહીં એવી લાગણીભર્યો ? - ગામ તરફ, ઘર તરફ, માની પાસે મૂઠીઓ વાળીને દોડ્યો - એક શ્વાસે દોડ્યો.

મહારાજ આશ્ચર્ય પામ્યા : "પેલો છોકરો કેમ આપણને દેખીને નાઠો હશે !”

આઠ જણમાંથી એક કહે : "એ મારો છોકરો છે.” એ કહેનારો ફાંસીની દોરીએથી પાછો વળેલો વાઘલો હતો. ન બાપ દીકરાને બોલાવી શક્યો, ને દીકરો બાપને. હજુ ખાતરી નહોતી થઈ કે આ નવું બન્યું તે સાચું છે.

ભાગોળે આવતાં સાતમાંથી એક જણ બોલ્યો : "હવે તો અહીં ભાગોળે