પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
‘મારાં સ્વજનો’
૮૧
 

જ મોદો (પાથરણાં, બૂંગણ) પથરાવીએ. અહીં જ બેસીને મીઠાઈ જમીએ.”

"શું છે તે ?” મહારાજ બોલી ઊઠ્યા : "એવું શું પરાક્રમ કરીને આવ્યા છો, 'લ્યા, તે અહીં જલસો કરવો છે ? ખબરદાર – કોઈ બહાર નીકળ્યા છો તો ! હું કહું છું તે એક જ ઠેકાણે સાતેએ ઘર બંધ કરીને બેસી રહેવાનું છે. જો ચાલ્યા છે મોટા ઉત્સવ કરવા !”

મહારાજને સમજ પડી ગઈ હતી : સાતેયને સાચીખોટી સજા પડી તે દિવસે પાટીદારોએ કંસાર રાંધ્યો હતો, તેનો યથાયોગ્ય બદલો પાટણવાડિયા આજે લેવા માગતા હતા ! એ ન થવા દીધું. એ બહેકાટ દબાવી દીધો. બધાને એક ઘરમાં બેસારી રાખ્યા.

[૭]

“ચાલો સાતેય જણા મારી જોડે.”

“ક્યાં, મહારાજ ?”

“...ભઈ કને.”

“ચ્યમ ?”

“આપણે બધાએ એમની માફી માગવાની છે.”

સાંભળીને પાટણવાડિયા કાળા પડી ગયા; બોલ્યા : "માફી ! ઊલટાની એમની માફી ! આટાઅટલી અમને વિતાવ્યા પછી ઉપર જતે માફી !”

“હા.”

“અમારાં માથાં કપાય છે.”

“છો કપાતાં; હું કહું છું : ચાલો.”

“ભલે, તમે જ્યાં કહો ત્યાં આવીએ.”

સાતેયને લઈને રવિશંકર મહારાજ ...ભાઈને મેડે ચડ્યા. મહિનાઓ વીત્યા હતા. વૈરનો અગ્નિ ઓલવવાનું ટાણું ક્યારે આવે તેની પોતે રાહ જોતા હતા. બોરસદથી દરબારશ્રી ગોપાળદાસને તેડાવી હાજર રાખ્યા હતા. મેડા પર જઈને મહારાજ ઊભા રહ્યા અને એની જોડે એ