પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નિવેદન
[૧૧]
 

જતું હોવાની લાગણી થાય. તેને બદલે મહારાજ બોલે ત્યારે બોલતા ન જ અટકે તો કેવું સારું, અટકી જાય તે પૂર્વે કંઈક પ્રશ્ન-ટમકું મૂકીને એમને અવિરત બોલતા જ રખાય તો કેવી મજા, એવું મને થયા કર્યું.

શાથી ?

એ કારણેથી કે-—પોતે આ ઘટનાઓનું મુખ્ય અને કેન્દ્રસ્થ પાત્ર હોવાં છતાં પોતાની જાતને ગૌણપદે રાખીને અન્ય મનુષ્યોની જ ઊર્મિઓ, યાતનાઓ અને પ્રકૃતિ-તત્ત્વોનું આલેખન મહારાજ કર્યે જતા હતા. એમનો દૃષ્ટિદોર એ નીચલા થરનાં માનવોનું જ યથાદર્શન કરાવવાનો હતો. વેવલાઈથી વેગળું, ગુણદોષનાં પલ્લાં સરખાં રાખતું અને માનવ-પાત્રોનાં જ રૂપ-રેખા એકનિષ્ઠતાથી ઉપસાવે જતું એ વર્ણન હતું, એમાં પ્રચારલક્ષી નજર નહોતી, પણ વાસ્તવની જ વફાદારીભરી પિછાન હતી. પોતે કહે છે કે, "હું રાજકારણનો માણસ જ નથી. હું કોઈ ચૂંટણીઓમાં રસ લેતો નથી. કોંગ્રેસમાં તો હું ગાંધીજીને લીધે જ આવી પડ્યો છું. જે પુરુષ આખા દેશનું કલ્યાણ કરી રહેલ છે તેમને એ કલ્યાણકામમાં નમ્ર સહાય કરીએ તો જીવન સાર્થક થાય, એ દૃષ્ટિએ જ હું જાહેર કામમાં છું." ઉપરાંત, મહારાજ પોતે એક સિદ્ધહસ્ત વાર્તાકાર છે. એમનાં વાક્યો સંઘેડાઉતાર હોય છે, એમની કથનશૈલીને કલાના સર્વ ગુણ વરેલા છે. કથળતું કે ગોથાં ખાતું એક પણ વાક્ય મેં એમના કથનમાં જોયું નથી.

સાંભળી લઈને હું જ્યારે ટાંચણ કરવા લાગ્યો ત્યારે એમનામાં એક ભય સંચરતો નિહાળ્યો. એ ભય આ વાતોની પ્રસિદ્ધિનો હતો એના કરતાં વિશેષ તો આ વાતો દ્વારા એમની પોતાની પ્રશસ્તિ થશે એ વિશે હતો, એક-બે વાર મને ટકોર પણ કરી કે, "મારી વાતો બીજા એક-બે ભાઈઓએ લખી છે, અને તેઓ બહાર પાડવાની ઇચ્છા ધરાવે છે; પણ મારા મૃત્યુ સુધી એ પ્રગટ ન જ થાય એવું મેં એમને કહ્યું છે."

મારા તરફથી મેં ચોખવટ કરી કે, "મારું પ્રધાન લક્ષ્ય હંમેશા એક વ્યક્તિના કીર્તિકથન નહિ કરવાનું છે. હું તો લોકજીવનનો નિરીક્ષક અને ગાયક છું. તમે કહી રહ્યા છો તે કથાઓમાં પણ હું તો તમારા કથનનાં પાત્ર માનવીઓની જ વિલક્ષણતાઓ ને પ્રકૃતિ તત્ત્વો પર નજર રાખી રહ્યો છું. હું