પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




૧૦
નમું નમું તસ્કરના પતિને !


ગામથી બે'ક ગાઉને અંતરે પીરની દરગાહ હતી. આ દરગાહે તાલુકાના સરફોજદાર પીરની મદદ લેવા આવ્યા હતા.

"ચાલ, આમ આવ!" ફોજદાર સાહેબે દરગાહ પર પોતે એકઠા કરેલા શકદારો પૈકીના એકને આગળ બોલાવી એના હાથમાં ચપટી ચોખા આપ્યા, ને કહ્યું: "ચાવવા માંડ!"

શકદારે થોડી વાર ચોખા ચાવ્યા, એટલે ફોજદારે કહ્યું: "હવે થૂંકી નાખ ચોખા."

શકદારે થૂંકેલું ચોખાનું ચાવણ બારીક નજરથી નિહાળવા માટે ફોજદાર સાહેબ અને એમના સાગરીતો જમીન પર ઝૂકી પડ્યા; અને પછી ફોજદારે કહ્યું: "નહિ, આ ચોર નથી; આનું ચાવણ થૂંકાળું છે. તું જા! હવે કોણ છે બીજો? ચાલ, આ લે ચોખા; ચાવ."

બીજાએ ચાવ્યું. એને થૂંકાવ્યું. એ થૂંકેલું સાહેબે નિહાળ્યું. શિર હલાવીને સાહેબે બીજાને પણ નિર્દોષ જાહેર કર્યો.

"ચાલ, હવે, ઝાલા, તું ચાવ ચોખા, હમણાં જ પીર પોતાના ગુનેગારને પકડી આપશે."

ઝાલો એક પાટણવાડિયો હતો.

ચોખાની ચપટી લેતાં ઝાલાનો હાથ ધ્રૂજ્યો. ચોખા મોમાં ઓરતાં એના હોઠ કંપ્યા. ચાવીને એણે થૂંક્યું. એ થૂકેલ ચાવણ પર ઝૂકેલા

૮૪