પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નમું નમું તસ્કરના પતિને !
૮૭
 

કરું? કોને પૂછું? જે કોઈ આવે છે તે એક જ નામ ઉચ્ચારે છેઃ ફૂલા વાવેચાનું નામ. હરેક પાટણવાડિયાની જીભ પર ફૂલો જ છે. ફૂલો ભયંકર ચોર છે. કોઈથી અજાણ્યો નથી. ફૂલો કદી પકડાતો નથી. ઘણા આવીને કહી જાય છે કે, ફૂલાના ઘરની ઝડતી થાય તો આગલું-પાછલુંયે ઘણું નીકળી પડે. પણ ફૂલાના ઘરમાં ઝડતી કરવી એ તો કાળા નાગના ભોણમાં હાથ નાખવા જેવું. નવા આવેલ ફોજદારની મગદૂર નથી. ને મગદૂર હોય તો પણ મને એમાં શો રસ છે! મારી એમાં શી શાંતિ છે! મને જો ચોરીની અને એ ચોરની મારી રીતે ભાળ ન લાગે તો મારું જીવ્યું ફોક છે.

"મહારાજ મારી સાથે-મારી આગળ ચાલે તો હું ફૂલાના ઘરની ઝડતી લઉં." નવા ફોજદારની એવી માગણીનો મહારાજે નકાર કર્યોઃ "ના,ના; મારી એ રીત નથી. મારો એમાં શો દા'ડો વળે! ફૂલો પોતે મારી કને પ્રકટ ન થાય ત્યાં સુધી મારી તજવીજમાં માલ શો!"

ચોર તો ફૂલો જ છેઃ મહારાજ માને યા ન માને, ફૂલા વિના બીજાનાં આ કામ નથીઃ એવો એક અવાજ મહારાજને કાને આવતો રહ્યો. ફૂલાનું જે ચિત્ર દરેક જીભ આંકી ગઈ, એમાં વધુને વધુ કાળો રંગ ઘૂંટાતો રહ્યો. લોકોની નજરમાં ફૂલો કાળી રાતે નજરે તો પણ ફાટી પડાય તેવો ચિતરાઈ ચૂક્યો; ને આ એક ફૂલો વાવેચો મોજૂદ છે ત્યાં લગી પરગણામાંથી ચોરીનાં પગરણ જવાનાં જ નથી એવી માન્યતા સૌને ઠસી ગઈ.

અપવાદરૂપે એક મહારાજ રહ્યા. ફૂલાને એમણે હજુ જોયો નહોતો; ચકાસ્યો નહોતો. ફૂલાની પાસે સામેથી ચાલીને જવાની વાત પણ ચર્ચવી વસમી હતી. ફૂલાને શી રીતે મળું? ક્યાં મળું? શું કારણ કાઢીને મળું? યોગ્ય તક જોતી હતી. કાપડની ચોરી પર ચિંતન કરતા મહારાજ મધરાત સુધી ઝાલાને ખેતરે બેઠા રહ્યા.

ત્રણેક દિવસ પછીની એક રાતે ઝાલાએ ખેતરમાં આવી સૂતેલ મહારાજને જગાડી કહ્યું: "મહારાજ, આજ રાતે ઝડતી થવાની છે;