પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮
માણસાઈના દીવા
 

પણ ફોજદાર સુધ્ધાંને ખબર નથી કે ક્યાં, કોની ઝડતી કરવા જવાનું છે."

"કોની?"

"ફૂલા વાવેચાના ઘરની."

"એણે ચોરી કરેલી છે?"

"ના."

"ત્યારે?"

"છતાં ચોરીનો માલ ફૂલાને જ ઘેરથી નીકળવાનો છે."

"એ શી રીતે?" મહારાજના અંતઃકરણે આંચકો અનુભવ્યો.

"ચોરીનો માલ પ્રથમ ફૂલાના ખેતરમાં મુકાવાનો છે; ને પછી તરત જ, ફૂલાને ખબર સુધ્ધાં પડવા દેવા વગર, ફોજદારને એને ત્યાં લઈ જવાના છે."

"એવું શા માટે?"

"એટલા માટે કે તો પછી ફૂલો એણે બીજી જે ચોરીઓ કરેલ છે તેનો માલ પણ કાઢી આપે."

"માલ કોણ મૂકી આવવાનું છે?"

"જે ચોરી કરનાર છે તે જ."

"કોણ?"

"ઈછલો પાટણવાડિયો."

"વારુ." મહારાજે ગમ ખાઈ લીધી, અને શાંતિથી પૂછ્યું: "એ માલની પોટલી ક્યાં?"

"અમારી કને."

"ત્યારે એ અહીં લઈ આવ."

"કેમ?"

"હજુ પૂછો છો? અલ્યા, ફિટકાર છે તમને! ફૂલો ચાય તેવો ભરાડી ચોર હોય, છતાં તેને માથે આવું તરકટ કરવું છે? તમને શરમ નથી આવતી? લઈ આવો અહીં એ માલ."