પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નમું નમું તસ્કરના પતિને !
૯૧
 

તો આગેવાનો જ બોલી ઊઠ્યાઃ "છેટો રહેજે મારા હાળા! અડકીશ ના મહારાજના પગેઃ છેટો રહેજે!"

ન્યાતના ભાઈઓએ પણ એટલો અધમ ગણેલો ફૂલો આ શબ્દો સાંભળીને દૂર ઊભો રહ્યો. મહારાજે એનો કાળમીંઢ દેહ માપ્યો, એની મુખમુદ્રા ઉકેલી, એની તાકાતને તાગી. ફૂલો શાંતિથી ઊભો હતો.

"ફૂલા વાવેચા!" મહારાજે એને કહેવા માંડ્યું: "કોઈ નહિ ને તમે ચોરી કરો, એ કંઈ ઠીક કહેવાય!"

"હું ક્યારે કરું છું?" ફૂલે ઠંડોગાર જવાબ વાળ્યો.

"ક્યારે કરું છું કહો છો? પેલી..ગામની, પેલી..ના ઘરની, અને પેલી...." એમ મહારાજે તો નામો દઈ દઈને ફૂલાની ચોરીઓ ગણાવવા માંડી, એટલે વચ્ચે ફૂલો બોલી ઊઠ્યોઃ

"પણ હેં મહારાજ, તમે મારે ઘેર કે'દાડે આવ્યા છો, ને ક્યારે મને ઉપદેશ દીધો છે? એક વાર મારે ઘેર આવો. પછી જે કહેવું હોય તે કહો."

ચોરની આ દલીલે મહારાજને ચૂપ બનાવ્યા; અને ભારે કૂતુહલ પેદા કર્યું.

વળતે દિવસે મહારાજ ફૂલા વાવેચાને ખેતરે એનું ઘર હતું ત્યાં ગયા. એની બે બૈરીઓ હતી, તે આવીને છેડા પાથરી ઊભી રહી. એના પાંચ દીકરા હતા, તે એક પછી એક પગે લાગ્યા. એ પોતે આવીને ચૂપ બેઠો. પછી એણે કહ્યું:

"મહારાજ! આ બે મોટા છોકરા તો સારા છે; એને કંઈ બોધ નહિ કરો તોય ચાલશે. આ નાના બે છે, તે પશુ છે ('પશુ છે' અર્થાત્ ચોરીની વિદ્યા ન જાણનારા ગમાર છે). પણ વચેટ દેહલો છે ને, તે મારી જોડે ફર્યો છે. એને જે કહેવું હોય તે કહો."

ફૂલાના શબ્દોએ મહારાજના મનમાં રમૂજ પેદા કરી. એમણે પછી નિરાંતે ફૂલાને કહ્યું:

"હેં ફૂલા વાવેચા! મને તો આશ્ચર્ય થાય છે કે એવું તે તમે કયું પુણ્ય કર્યું હશે કે જેને પ્રતાપે તમારે બે બૈરીઓ, પાંચ દીકરા, આ દીકરાની વહુઓ, આ ખેતરાં, આ ભેંસો ને આ બધી