પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨
માણસાઈના દીવા
 

સુખ સાહેબી છે!"

"મેં તો, મહારાજ," ફૂલાએ જરાયે દોંગાઈ વગર, શુદ્ધ સાચે ભાવે, જવાબ દીધોઃ "કોઇ પરસ્ત્રી સામે એંઠી આંખે જોયું નથીઃ અને મેં તો જે આંગણે આવ્યું છે તેને રોટલો આલ્યો છે."

ઘડીભર તો મહારાજ સ્તબ્ધ બન્યા. પાપ-પુણ્યનું શાસ્ત્ર એમના અંતઃકરણમાં અટવાઈ રહ્યું. પછી એમણે કહ્યું:

"ફોજદાર કહે છે કે તમે તો ફૂલા, આજ લગીમાં બે હજાર ચોરીઓ કરી છે. તે પાપ નહિ?"

"હશે, મહારાજ!" ફૂલાએ બે હજારના આંકડા પર મર્મ કરતાં કહ્યું: "ફોજદારે ગણી હશે. મેં તો કંઈ સરવાળો સાચવ્યો નથી. પણ, મહારાજ, ચોરી કરવી એ કંઈ પાપ છે?"

"પાપ નહિ?"

"ના, મહારાજ; તમે જ વિચારી જુઓ! તમારેય બે આંખો છે; મારે પણ બે આંખો છે; છતાં તમારી પોતાની મૂકેલી જે ચીજ તમે પોતે ધોળે દા'ડે સૂરજના અજવાળામાં ન દેખો, તે અમે ભાળીએ, એ શું અમસ્થું હશે? એનું કંઈ રહસ્ય નહિ હોય?"

"શું રહસ્ય?"

"રહસ્ય એ કે, લક્ષ્મી અમને ધા-પોકાર કરે છે."

"હેં!" મહારાજ સતેજ બન્યા. કશીક તત્ત્વાલોચના ચાલુ થઈ લાગી.

"હા, મહારાજ! પારકા ઘરમાં પરાણે એકઠી થયેલી અને બંધાઈ ગયેલી લક્ષ્મી અમને પોકારે છેઃ એને પહોળી થવું છે. જ્યારે એ ધા-પોકાર કરે છે, ત્યારે અમને એ આપોઆપ આઘેથી પણ સંભળાય છે; અને ત્યારે અમારું મન અંદરથી અવાજ દે છે કે, 'ફૂલિયા! ઊઠ,હીંડ.' અમે જઈને લક્ષ્મીને છોડીએ છીએ; અને એ રૂંધાઈ ગયેલીને અમે પહોળી કરી નાખીએ છીએ. એમાંથી મુખીને કંઈક જાય, કંઇક ફોજદારને, કંઈક મોટા ફોજદારને; અમને તો બાપજી, માત્ર કાંટા-ભંગામણ રહે છેઃ ચોરી કરવા જતાં પગ નીચે જે કાંટા ભંગાયા હોય તેટલા પૂરતું મહેનતાણું