પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮
માણસાઈના દીવા
 

પણ જે મળે તે લઈ લેજો. બીજે કશે ફાંફાં ન મારતા. જાવ."

મને તો, મહારાજ, આ બધું બામણના કહ્યા પ્રમાણે કરી લેતાં હોકો પીએ એટલી જ વાર લાગી. તાકામાંથી ને મજૂસમાંથી જે મળી તે ચીજોની પોટલી બાંધીને હું તો બહાર નીકળીને નદી-કાંઠે આવતો રહ્યો. દીવાસળી કરી. એ નિશાની જોઈને હોડી દૂર ઊભેલી તે કાંઠા તરફ આવી; અને હજુ તો હોડી થોડે છેટે હતી ત્યાં હોડી પરથી અવાજ આવ્યો :

"કાં ! સિંહ કે શિયાળ ! " એ અવાજ .....સાહેબનો હતો. મેં જવાબ વાળ્યો કે, "સિંહ !"

એટલે સામેથી ....સાહેબે ખુશ થઈ કહ્યું કે, "વારુ ! અલ્યા માછી ! ચાલ. કાંઠેથી હેમતાભાઈને તેડી, ઊંચકીને હોડી પર લઈ આવીએ."

મને તો માછી એ આવીને ઉંચકી લીધો. હોડી પાછી હંકારી. હોડીમાં ....સાહેબે મારે માટે દારૂ ને ભૂસું તૈયાર રાખ્યાં હતાં, મને આગ્રહ કરી કરીને પુષ્કળ દારૂ પોતાને હાથે પાયો. ને ભૂસું ખવરાવ્યું. મારી પાસે જે પોટકી હતી તેમાંનું બધું જ પોતે લઈ લીધું; અને મારી મેનત્ય બદલ ફક્ત એક હોકાને મઢાય તેટલું રૂપું આપ્યું. પણ હું તો પક્કો ખરો કની, મહારાજ , તે આ વાળી, મેં છાનીમાની કેડ્યે ચડાવી લીધી ! એ છે આ વાળી. હવે એ સરકારવાળા લઈ જાય તો મૂઉં !—ક્યાં પરસેવો ઉતાર્યો હતો !

એટલું બોલીને જુવાન હેમતો બારૈયો ધારિયું પાછું ખભે નાખીને મોં મલકાવતો ચાલ્યો ગયો.