પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦
માણસાઈના દીવા
 

હાજરીમાં ઘલાવ્યો; અને એ પરાક્રમ માટે એ પોતાની મૂછને વળ ઘાતલતો રહ્યો.

ખેર! એ દશામાં મોતીને એકલા રહેવું ગમ્યું નહિ. એનો જીવ અંદરથી બહુ મૂંઝાતો હતો. વળી ખેતરના કામને પણ એકલે હાથે પહોંચી વળાતું નહોતું. મોતીએ ફરી વાર પરણી લીધું. એના આ નવા સંસાર પર પણ રાવણિયાએ અને આગલી બૈરીએ સામે ઘેરથી માછલાં ધોવાનું ચાલુ રાખ્યું.

એક દિવસ બરાબર બપોરવેળા થઈ ત્યારે મોતી ખેડ કરીને ઘેર આવ્યો. સાથે બે મૂળા લાવ્યો હતો, તે બૈરીને આપીને કહે કે ,"મારાથી રહેવાતું નથી, એવી ભૂખ લાગી છે. તું રોટલો આલ્ય, એટલે મૂળા ને રોટલો ખાઉં."

"હા, બેસો; આ જ ઘડીએ રોટલો કરી આલું છું."

એમ કહીને વહુ ચૂલો ચેતવી, કલ્યાઢું(તાવડી) ચડાવી લોટ મસળવા લાગી. ભૂખ્યો મોતી ચૂલા સામે તાકીને બેઠો છે, ત્યાં ગામનો એક વોરો ખેડુ દોડતો આવી બોલવા લાગ્યો: "મોતી! ઓ ભાઈ મોતી! તું છે કે ઘેર?"

"હા; કેમ શું છે, ભૈ?" કહેતો મોતી ઓસરીમાં આવ્યો. પણ ભૂખ સહેવાતી નહોતી. આવનાર કડવો ઝેર જેવો લાગ્યો.

"ઊઠ. ભાઈ, ઝટ ઊઠ ને દોડ. મારી ભેંસો નાઠી છે. મારાથી વાળી શકાતી નથી. ને હવે મારાથી પહોંચી શકાશે નહિ. એ તો જાય છે દોટાદોટ. તું જો નહિ વાળી આવે તે એ જશે - કોઈકને હાથ પડી જશે. મારું સત્યાનાશ જશે. તું ભલો થઈને ઊઠ. દોડ."

"પણ ભૈ!" મોતી ચિડાઈને બોલી ઊઠ્યો : " મારાથી ભૂખે રહેવાતું નથી. હું ખાધા વગર નહિ જઈ શકું."

"એમ હોય કંઈ, મોતી!" વોરાને મોતીની ભૂખની કલ્પના નહોતી, તેથી તે વધુ ઉતાવળો બન્યો: "ભલો થઈને જા; મારી ભેંસો સમૂળી હાથથી જશે."