પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૨
માણસાઈના દીવા
 

એને કોઈએ ભાગોળના બનાવની વાત કરી. એ પણ જે સ્થિતિમાં હતી તે જ સ્થિતિમાં ઘરને સાંકળ ચડાવીને નાસી ગઈ; અજીઠા હાથ ધોવા પણ એ ઊભી ન રહી.

પોલીસે આવીને જ્યારે ઘર ઉઘાડી જોયું ત્યારે રોટલો હજી ચૂલા પર કલ્યાઢામાં હતો, ને મૂળા કરમાયેલા પડ્યા હતા. રોટલો અને મૂળા ત્યાં ને ત્યાં પડ્યા હતા; કારણ કે તેમને પગ નહોતા. તેઓ પરસ્પર મોતી બારૈયાની ભૂખ વિષે ચર્ચા કરતાં જાણે કે પોલીસને જોઈ ચૂપ બની ગયા હતા.

[૨]

બાર-તેર દિવસ પછી વડોદરા સ્ટેશન પર રવિશંકર મહારાજ એક ટ્રેનની રાહ જોતા હતા. ટ્રેન આવી. અંદરથી પોલીસ-અધિકારી ઊતર્યાં. મહારાજે એમને જેજે કરીને પૂછ્યુ: " કાં, પેલાને હજુ પકડતા કેમ નથી?"

"કોને?"

"રાવણિયાનું ખૂન કરનાર જોશીકૂવાવાળાને."

"ક્યાંથી પકડીએ? જડતો નથી તો!"

"આને ઓળખો છો? " એમ પૂછતે પૂછતે મહારાજે પોતાની જોડેનો એક આદમી બતાવ્યો.

"ના."

"એ છે-તમને જે જડતો નથી તે જ."

પોલીસ અધિકારીનું મોં વકાસ્યું રહ્યું. નાસીને ગાયબ બનેલા, બાર દિવસથી ન પકડાઈ શકતો, આખા પોલીસ ખાતાને થાપ દેતો એક ધોળા દિવસનો ને ખરા બપોરનો ખૂની વગર બેડીબંધે ને વગર દોરડે, વગર ચોકીપહેરે ને વગર બંદૂકે પોતાની સામે સબૂરીભેર ઊભો હતો! ઝાંખ ઝાંખ થઈ જઈને અધિકારી પૂછ્યું :

"ક્યાંથી શોધ્યો?"

"મેં નથી શોધ્યો;" મહારાજે કહ્યું, "એ પોતે જ મને શોધતો આવ્યો હતો."

"ક્યાં?"